Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

આજી ડેમ પાસે કરોડોના ખર્ચે નિર્માણ પામેલ રામવન તુર્તમાં ખુલ્લુ મુકાશે

શહેરીજનો માટે હરવા - ફરવા માટે એક નવુ નજરાણું : મ્‍યુઝીક સિસ્‍ટમ લગાવવી અને રામધૂન ગુંજતી રહે તેવી વ્‍યવસ્‍થા કરવા સુચના આપતા અમિત અરોરાઃ મુખ્‍ય પ્રવેશદ્વાર ધનુષ આકારઃ ભગવાન રામની વિશાળ પ્રતિમા ઉપરાંત રામવનવાસ પ્રસંગોના વિવિધ ૨૨ સ્‍કલ્‍પચર બનાવાયા

રાજકોટ તા. ૬ : શહેરના આજી ડેમમાં નિચાણવાસમાં મ.ન.પા. દ્વારા કરોડોના ખર્ચે તૈયાર થયેલ ‘રામવન' ટૂંક સમયમાં ખુલ્લુ મુકવામાં આવનાર છે. આ વનમાં ખરેખર રામ ભગવાનના વનવાસના દિવસોની અનુભૂતિ થાય તે માટે રામવનવાસ દરમિયાનના પ્રસંગોને અનુરૂપ સ્‍કલ્‍પચર (મૂર્તિઓ) મુકવાનુ આયોજન મ.ન.પા. દ્વારા કરાયું છે.

હાલમા આ રામવનમાં હજારો વૃક્ષો કુદરતી રીતે ઉછરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ આ જગ્‍યા એક વિશાળ વન (જંગલ)માં પરિવર્તીત થઈ જશે. આ સ્‍થળે ડેમના નિચાણવાસની નદી, ધોધ વગેરે કુદરતી રીતે જ આવેલા છે. જેથી આ સ્‍થળ વધુ રમણિય બનશે. હવે ‘રામવન'માં રામવનવાસની ક્ષણોની અનુભૂતિ મુલાકાતીઓને થાય તે માટે તે માટે આ વનમાં વિવિધ આકર્ષક જગ્‍યાઓ પર રામવનવાસની ઝૂપડીઓ, શબરીનો પ્રસંગ, કેવટનો પ્રસંગ, જટાયુનો પ્રસંગ વગેરે પ્રસંગોને અનુરૂપ શ્રીરામ ભગવાનના વિવિધ જીવંત સ્‍કલ્‍પચર (મૂર્તિઓ) મુકવામાં આવ્‍યા છે. હાલમાં રામવનમાં સ્‍કલ્‍પચર, આંતરિક રસ્‍તાઓ, પગદંડીઓ, કમ્‍પાઉન્‍ડ વોલ, પાણીનો ટાંકો વગેરે સહિતનું ૯૮ ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે.

શહેરમાં કુદરતી વાતાવરણમાં વધારતો કરતુ અર્બન ફોરેસ્‍ટ ‘રામ વન' નિર્માણ પામી રહેલ છે. જેની કામગીરી પૂર્ણતાનાં આરે છે. આજી ડેમ પાસે કુદરતી સોંદર્ય ધરાવતા સ્‍થળે ૪૭ એકર જમીનમાં તૈયાર થઇ રહેલ રામ વન શહેરની સુંદરતામાં વધારો કરશે. શહેરીજનોને હરવા ફરવા માટે એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે. આજે મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ રામ વન અર્બન ફોરેસ્‍ટની મુલાકાત કરી હતી. જેમાં મ્‍યુનિ. કમિશનરશ્રીએ લોકોને વિવિધ સુવિધા મળી રહે તે માટે સુચનો કર્યા હતા.

રામ વન ખાતે હાલ ૯૮% કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. હાલ સફાઈ અને ફાઈનલ ફીનીશીંગ ટચની કામગીરી ચાલી રહી છે. રામ વનમાં વિવિધ સ્‍કલ્‍પચર મુકવામાં આવ્‍યા છે. આજની મુલાકાત દરમ્‍યાન મ્‍યુનિ. કમિશનરે સ્‍કલ્‍પચર વ્‍યવસ્‍થિત દેખાય તે મુજબ વૃક્ષ ટ્રીમીંગ કરવા, સ્‍વચ્‍છતા જળવાઈ રહે તે માટે સુચન બોર્ડ રાખવા, આર્ટીસ્‍ટીક બોર્ડ લગાવવા, રામવનની અંદર સ્‍વચ્‍છતા જળવાઈ રહે તેવા હેતુથી પ્‍લાસ્‍ટિક લઇ જવા પર પ્રતિબંધ, સિક્‍યુરિટી ગાર્ડમાં વધારો કરવા અંગેના સુચનો કર્યા હતા.

સમગ્ર રામ વનCCTVસુરક્ષાથી સજ્જ કરવું અને મ્‍યુઝીક સિસ્‍ટમ લગાવવી અને તેમાં રામધૂન સહિતના ભજનો ચાલુ રહે તેવું પણ સંબંધિત અધિકારીને મ્‍યુનિ. કમિશનરે સુચના આપી હતી.

આજની મુલાકાત દરમ્‍યાન મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્‍યુનિ. કમિશનર આશિષ કુમાર, એ. આર. સિંઘ, સિટી એન્‍જી. અઢીયા, ડાયરેક્‍ટર પાર્કસ એન્‍ડ ગાર્ડન લક્ષમણસિંહ ચૌહાણ, પી.એ.(ટેક.)ટુ કમિશનર રસિક રૈયાણી, ડી.ઈ.ઈ. પરેશ પટેલ અને બી. પી. વાઘેલા હાજર રહ્યા હતા.

(3:33 pm IST)