Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

૬ જુલાઇ-વલ્ર્ડ ઝૂનોસીસ ડે

પ્રાણીઓના સંપર્કથી માનવોને થતા રોગો અંગે જાગૃતિ કેળવવાનો દિવસ

  પ્રાણીઓ અને માનવો વચ્ચેના પારસ્પરિક સંબંધોને વધુ તંદુરસ્ત અને વધુ મજબૂત બનાવવા માટે સમગ્ર વિશ્વમાં ૬ જુલાઇના રોજ  વલ્ર્ડ ઝૂનોસીસ ડે  ઉજવાય છે.

   ઝૂનોસીસ એટલે પ્રાણીઓના સંસર્ગ વડે માનવશરીરમાં દાખલ થતા તત્વો. માણસો અને પ્રાણીઓનો સંબંધ પરાપૂર્વથી ચાલ્યો આવે છે. આ બંને સજીવો પરસ્પરની જરૂરતો માટે એકબીજા પર નિર્ભર રહે છે, આથી બંને વચ્ચે કોઇ ને કોઇ સ્વરૂપે સંપર્ક અને સંસર્ગ ચાલુ જ રહે છે. જયાં સુધી વિજ્ઞાન તથા ટેકનોલોજીની શોધ-ખોળ થઇ નહોતી, ત્યાં સુધી પ્રાણીઓમાંથી માનવોમાં પ્રસરતા રોગો વિષે કોઇ જાણકારી પ્રાપ્ય નહોતી. પરંતુ તમામ ક્ષેત્રોમાં આવેલી વૈજ્ઞાનિક ક્રાંતિએ માનવો-પ્રાણીઓના સહજીવનને પણ આવરી લીધું, જેના થકી આપણને એવા રોગોની માહિતી મળી કે જે આપણી આસપાસ વસતા પ્રાણીઓના સાહચર્યને લીધે આપણા શરીરમાં પ્રવેશતા હોય.

 લેપ્ટોસ્પાઇરોસીઝ, મેડકાઉ ડીસીઝ, રેબીઝ(હડકવા), નીપાહ તાવ, ગ્લેન્ડર, વગેરે જેવા રોગો પ્રાણીઓના સહવાસથી મનુષ્યોને થતા રોગો છે, જે વિદેશોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આવા પ્રાણીજન્ય રોગોથી મનુષ્યજાતિને સુરક્ષિત રાખવા માટે  વલ્ર્ડ ઝૂનોસીસ ડેના દિવસે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. શહેરી વિસ્તારમાં પ્રાણીઓને રસી મુકવામાં આવે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આ બાબતે પ્રમાણમાં ઓછી જાગૃતિ જોવા મળે છે. આથી  વલ્ર્ડ ઝૂનોસીસ ડેના દિવસે ગામડામાં પશુઓને મફત રસીકરણ, પ્રાણીજન્ય રોગો અંગેની જાણકારી તથા તેનાથી બચવાના ઉપાયો, કાર્યશાળાઓ, પ્રવચનો વગેરે જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે, જેથી પ્રાણીઓના સંપર્કથી થતા રોગો અંગે માનવોને જાણકારી મળે.

  વલ્ર્ડ ઝૂનોસીસ ડે નિમિત્તે સ્થાનિક સ્તરે પણ કાર્યક્રમો યોજવામાં આવે છે. રાજકોટની સ્વૈચ્છિક સંસ્થા  એનિમલ હેલ્પલાઇન દ્વારા  વલ્ર્ડ ઝૂનોસીસ ડે નિમિતે પશુ પક્ષીઓ માટેના સર્વરોગ નિદાન કેમ્પ, ચર્મ, દંત, આંખના રોગોના કેમ્પ, શ્વાનોને વિના-મૂલ્યે હડકવાની રસી તથા કૃમિનાશક દવાઓ આપવામાં આવે છે. પાલતુ પ્રાણીઓને થતી અન્ય બીમારીઓની સારવાર અંગેનો કેમ્પ પણ પ્રતિ વર્ષ આ સંસ્થા દ્વારા યોજવામાં આવે છે.

સંકલન સોનલ જોષીપુરા,   માહિતી ખાતું, રાજકોટ

(3:52 pm IST)