Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ઓફિસમાં નહિ, વિસ્તારમાં ફરો : બંછાનિધીએ અધિકારીઓને ખખડાવ્યા

કોર્પોરેશન દ્વારા સ્વચ્છ નગર અભિયાનનો પ્રારંભ

રાજકોટ તા. ૬ : ચોમાસાની ઋતુમાં રોગચાળો વકરે નહી તે માટે આજથી દરરોજ એક વોર્ડમાં સર્વાંગી સફાઇ એટલે કે ભુગર્ભ ગટર, ખુલ્લા પ્લોટ, ન્યુ સન્સ પોઇન્ટ, રસ્તાઓ સહિતના સ્થળોએ સફાઇ અને દવા છંટકાવની ઝુંબેશાત્મક કાર્યવાહીનો પ્રારંભ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજથી વોર્ડ નં. ૧થી કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશમાં વોર્ડ નં. ૧ના ૧૩૪ વિસ્તારોમાં સફાઇ, દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકરના માર્ગદર્શન હેઠળ તમામ વોર્ડમાં 'વન ડે વન વોર્ડ' મારફત સફાઈ ઝુંબેશ થાય તેવું આયોજન કરવામાં આવેલ

જેના અનુસંધાને આજ રોજ વોર્ડ નં.૦૧માં 'વન ડે વન વોર્ડ' અંતર્ગત સ્વચ્છતા અને આરોગ્યલક્ષી ઝુંબેશનો મેયર બિનાબેન આચાર્યએ પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર અંજનાબેન મોરજરીયા, આશિષભાઈ વાગડિયા, ડે.કમિશનર નંદાણી, સિટી એન્જીનિયર દોઢીયા, આરોગ્ય અધિકારી ડો.ચુનારા, ડો.પી.પી.રાઠોડ, પર્યાવરણ અધિકારી નીલેશ પરમાર, દિગ્વિજયસિંહ તુવર, વોર્ડના એસ.આઈ., એસ.એસ.આઈ વિગેરે ઉપસ્થિત રહેલ.

'વન ડે વન વોર્ડ' સ્વચ્છતા તથા આરોગ્યલક્ષી ઝુંબેશ અંતર્ગત આજરોજ વોર્ડ નં.૧થી શુભારંભ કરવામાં આવેલ છે. જેમા બ્લોક વાઈઝ વોર્ડ નં.૧ના ચાર ભાગ કરવામાં આવેલ છે.

આ સફાઈ ઝુંબેશમાં નાણાવટી ચોકથી, રાજગોકુલ પાન ચોકથી, ગાયત્રી ડેરી વાળો રોડ, એસ.કે. ચોકથી, ખોડીયાર પાન ચોક, જીવંતિકાનાગર મેઈન રોડ, લાલબહાદુર રોડથી રામાપીર ચોકડી, ધરમનગર મેઈન રોડ, સતાધાર પાર્ક, વિગેરે તમામ રૂટોને આવરી લેવામાં આવેલ, આ ઉપરાંત વોર્ડ નં.૦૧ના જુદા જુદા પ્લોટો ગાયત્રી ડેરી સામેનો પ્લોટ, ગાંધીગ્રામ, જીવંતિકાનગર આંગણવાડી પાસેનો પ્લોટ, ગૌતમનગર શેરી નં.૧ નો પ્લોટ, ન્યુસન્સ પોઈન્ટ વેલનાથ ચોક, એરો દીવાલ ગોવિંદનગર પ્લોટ તથા સફાઈનો તમામ સોસાયટીઓમાં ગાંધીગ્રામ શેરી નં. ૧થી ૧૨, ગૌતમ નગર શેરી નં.૧ થી ૭, કષ્ટભંજનનગર સોસાયટી શેરી નં. ૧ થી ૭, જીવંતિકાનગર શેરી નં.૧ થી ૯, શાહનગર, શકિતનગર, ગોવિંદનગર, સત્યનારાયણનગર, સત્યનારાયણ પાર્ક સોસાયટી, એવીજ રીતે બ્લોક નં.૨ અક્ષરનગર ૫ પ્લોટ, અક્ષરનગર આંગણવાડી પાસે, R.C.K. પાર્ક સામે પ્લોટ, તથા બ્લોક નં.૩ મા સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેનો પ્લોટ, રૈયાગામ વિસ્તાર, નાણાવટી ચોક આવાસ પાસેનો પ્લોટ, તેમજ બ્લોક નં.૪મા શાસ્ત્રીનગર શાક માર્કેટ રોડ, હિંમતનગર રોડ થી ધાર સુધી, રૈયાધાર ચોક પાણીના ટાંકા પાસે સફાઈ કરવામાં આવેલ. આ ઉપરાંત બી.એસ.યુ.પી. આવાસ, નવા ગાર્બેજ સ્પોટ પાછળ, ટોયલેટ સફાઈ આ ઉપરાંત ગાડી દ્વારા વોર્ડ નં.૦૧માં આવેલ યુરીનલ રામાપીર ચોકડી, ગંગેશ્વર મંદીર લાગુ હોકર્સ ઝોન, રૈયા ગામ, રૈયા ધાર, મારવાડી વાસ પાસે, હિંમતનગર ગૌશાળા વિગેરે જગ્યાએ સફાઈ કરવામાં આવેલ. 

સાથો સાથ આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો બનાવી ઉપરના તમામ વિસ્તારોમાં પોરાનાશક કામગીરી, ઘરે ઘરે જઈ પાણીના ટાંકામા દવાઓ નાખવાની કામગીરી, મોટા અને ખુલ્લા પાણીના ટાંકામાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકવાની કામગીરી, આરોગ્ય વિભાગની મેલેરિયાની ૧૫ ટીમ દ્વારા દરેક ઘરમાં ફોગીંગ કરવાની કામગીરી, વાહન દ્વારા જાહેર રોડ તથા શેરીઓમાં ફોગીંગ કરવાની કામગીરી, આરોગ્યશિક્ષણ તથા આરોગ્ય માટે જનજાગૃતિ માટે પત્રિકા વિતરણની કામગીરી હાથ ધરેલ.(૨૧.૨૮)

સફાઇ ઝુંબેશની કામગીરીની ઝલક

    વોર્ડ નં. ૧ના ૧૩૪ વિસ્તારોમાં સફાઇ

    વોર્ડના મુખ્ય છ માર્ગો ચોખ્ખા ચણાક

    ૧૨ ન્યુ સન્સ પોઇન્ટ, ૨૨ ખુલ્લા પ્લોટમાં સફાઇ

    આ વિસ્તારમાંથી ૨૬ ટન કચરાનો નિકાલ

(3:44 pm IST)