Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 'ચુરા'કરવા માટે કુંવરજીભાઈને ભાજપની 'સોપારી'

સમિતિઓની રચના વખતે સખળડખળઃ ખાટરિયા જુથ ભાજપ તરફ ન ઝુકે તો ટુંક સમયમાં પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત

રાજકોટ, તા. ૬ :. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત તોડવા માટે ભાજપ દ્વારા નવનિયુકત કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને કામ સોંપી દેવાયાનું અને તે દિશામાં સળવળાટ શરૂ થઈ ગયાનું ભાજપના ટોચના વર્તુળો જણાવે છે. જો ખાટરિયા જુથ ભાજપ તરફ ન ઢળે તો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયા સામે અવિશ્વાસ દરખાસ્ત મુકવાનું નક્કી થઈ ગયાનું જાણવા મળે છે તે પૂર્વે સમિતિઓની રચના વખતે કોંગ્રેસના અસંતુષ્ટોના સાથથી ભાજપ સખળડખળ કરવા માંગે છે. ખાટરિયા પોતે ભાજપમાં જોડાય તેવી શકયતા ભારપૂર્વક નકારી રહ્યા છે (કુંવરજીભાઈ પણ છેક સુધી ઈન્કાર કરતા હતા.)

કુંવરજીભાઈ જુથના દસેક સભ્યો છે. બે મહિલા કોંગી સભ્યો ખૂલ્લેઆમ પાર્ટીની સામે છે. બે સભ્યો ભાજપના છે. કોંગ્રેસના અસંતુષ્ટોનો લાભ લઈ ભાજપ ખૂટતા સભ્યો પુરા કરવા માગે છે. સભ્યો ખેડવવા માટે અને પંચાયત તોડવા માટે જે પદ્ધતિ અપનાવવી પડે તે અપનાવવાની ભાજપની તૈયારી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.

રાજકોટમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી જિલ્લા પંચાયત છે. તે તોડવાથી સૌરાષ્ટ્ર વ્યાપી રાજકીય અસર જાય તેવુ ભાજપ માને છે. કુંવરજીભાઈના ભાજપ પ્રવેશ વખતની શરતો અને અપેક્ષામાં પંચાયતનો મુદ્દો અગ્રસ્થાને હતો. સત્તા પર માથુ ગમે તે રહે પણ પંચાયતમાં પાટીયુ ભાજપનું લાગે તે દિશામાં ભાજપે કદમ માંડયા છે. તેમા રાજ્ય સરકારના અસીમ આશીર્વાદ મળી રહે તે સ્વભાવિક છે.

(3:40 pm IST)