Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સુચિત સોસાયટી રેગ્યુલાઈઝ કરવાની કામગીરીમાં પોણો ડઝન નાયબ મામલતદારો નબળાઃ ત્રણની બદલી કરી દેવાઈ

ગઈકાલે સાંજે મળેલ રિવ્યુ મીટીંગમાં કલેકટર લાલઘુમઃ ૩૧ ઓગષ્ટ સુધીમાં કામ પુરૂ કરોઃ નહીં તો આકરા પગલા માટે તૈયાર રહો...: રાજ્યભરમાં નંબર વન કામગીરી સીટી પ્રાંત-૧ ના નાયબ મામલતદાર રાણા લાવડીયાનીઃ બીજા નંબરે રૂપાપરાઃ સુચિતમાં રેગ્યુલાઈઝડ એટલે નવી શરતની જમીન થઈ જાય તેવુ નથી, લોકોને નહિ ગભરાવા કલેકટરની અપીલઃ બેંકોને પણ ફાયનાન્સ માટે કહેવાશે

રાજકોટ, તા. ૫ :. રાજકોટ કલેકટરશ્રી રાહુલ ગુપ્તાએ ગઈકાલે સુચીત અંગે જીલ્લાના મામલતદારો, નાયબ મામલતદારોની મીટીંગ બોલાવી હતી. આ મીટીંગમાં મહેસુલી અધિકારી વાઈઝ રીવ્યુ પણ લીધા હતા. આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા લેવામાં આવેલ માહિતીમાં ભારે નબળાઈ દેખાઈ આવતા બદલીના હુકમો સહિત અધિકારીઓ ઉપર ભારે તડાપીટ પણ બોલાવી હતી. આ ઉપરાંત તેમણે અંદાજીત મિલ્કત, ઓછી અરજી નિકાલ અંગે ફરી કેમ્પ કરવા પણ આદેશ આપ્યો હતો. આ અંગે ૩૧ ઓગષ્ટ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી અને જો કામ નિયત સમયમાં પૂર્ણ નહી થાય તો કડક પગલાની તૈયારી રાખવા ચેતવણી આપતા સન્નાટો પ્રસરી ગયો હતો.

રીવ્યુ મીટીંગમાં કલેકટરે ખરાબ કામગીરી તથા હાજર ન રહેતા જવાબદારો સામે બદલીના પગલા પણ લીધા હતા. જેમાં રાજકોટના નાયબ મામલતદાર ભોજાણીને કંડોરણા, પ્રાંત-ગ્રામ્ય તલાટી રાજાને ધોરાજી તથા રાજકોટ તાલુકાના તલાટી રવૈયાને ભાયાવદર બદલી કરી દેવામાં આવી હતી. આ કામગીરીથી અન્ય અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ ઉપરાંત નાયબ મામલતદાર બી.એમ. રાઠોડને એક પણ અરજીનો નિકાલ ન કરેલ હોય તેમને ૧ અઠવાડીયાનો સમય અપાયો હતો. સાથો સાથ મહિલા નાયબ મામલતદાર ડી.એમ. ભટ્ટે ૧૬૩ આવેલ અરજીમાંથી એક પણનો નિકાલ કરેલ નથી. જ્યારે પૂર્વના નાયબ મામલતદાર જી.આર. રવૈયાએ પણ એક પણ હુકમ ન કરતા કલેકટર ગુપ્તા લાલઘુમ થઈ ગયા હતા અને આકરા શબ્દોમાં કામ કરવા સૂચના પણ આપી હતી.

જયારે અરજીની બાબતમાં મનોરંજનના નાયબ મામલતદાર આર.એન. ખંઢેેરીયાએ આવેલ ૧૩૫૯ મિલ્કતની અરજી માંથી ફકત ૧૧૬ અરજી પરત થતા તેમણે પણ ફરી કેમ્પ કરવા કલેકટરે જણાવ્યું હતું. જયારે ઓછા હુકમમાં પશ્ચિમના મહિલા નાયબ મામલતદાર એમ.યુ. ઓઝાએ ૧૩૮૭ આવેલ અરજીમાંથી ૧૧૯૭ અરજીઓ નામંજુર કરતા તેમનો ખુલાસો પુછાયો હતો. જેમાં તેમણે જણાવેલ કે બાંધકામના પુરાવા ૨૦૦૧ પહેલાના હોય જેથી નામંજુર કરેલ. તેમણે માત્ર ૭ હુકમ કરતા કલેકટરે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

આ ઉપરાંત ઉપલેટાના નાયબ મામલતદાર ડી.બી. વાઢેરે આવેલ ૧૨૭૪ માંથી પરત આવેલ ૫૩૪ અરજીઓ માંથી માત્ર ૨૦ ને મંજુરી આપતા કલેકટરે નબળી કામગીરી બદલ તેમને ખખડાવી નાખ્યા હતા.

રાજકોટ જિલ્લાની આખા ગુુજરાતમાં ઓલઓવર સોૈથી કામગીરી છે. અમદાવાદ, બરોડામાં તો એક પણ હુકમ કરાયા નથી. શીરસ્તેદાર રાણા લાવડીયાએ પોતાની કામગીરીમાં ૭૨૬ મિલ્કતો વાળી ૪ સોસાયટીમાં ૧૨ કેમ્પ કર્યા હતા. જેમાં આવેલી ૭૩૧ અરજીઓમાંથી ૭૧૨ અરજી પરત મેળવી ૧૩૧ ને મંજુર કરી હતી. જયારે ૬૬ મિલ્કતો માટે કમ્પાઉન્ડ ફી પણ ભરાવી આપી હતી અને ૨૭ દાવા પ્રમાણપત્રો પણ ઇશ્યુ કરી દેતા રાજયભરમાં કામગીરીમાં તેઓ સોૈપ્રથમ રહયા છે, કલેકટરે તેમની પીઠ થાબડી હતી, બીજા ક્રમે રહેલા સીટીપ્રાંત-૧ના નાયબ મામલતદારશ્રી રૂપાપરા, બીજા નંબરે રહેતા તેમને કલેકટર- એડી. કલેકટરે અભિનંદન પાઠવ્યા હતા.

મિટીંગ બાદ કલેકટરશ્રી રાહુલ ગુપ્તાએ પત્રકારોને માહિતી આપતા જણાવેલ કે લોકોમાં ભ્રમ છે કે સુચિતમાં અરજી કરવાથી તે નવી શરતની ગણાય છે, પણ હકીકતે એ શકય નથી. સુચીતમાં દસ્તાવેજ કરી વેંચી શકાય છે. આ ઉપરાંત તંત્ર દ્વારા કેટલીક બેંકો સાથે પણ સંપર્ક કરી સુચીતમાં પણ લોન થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવા તજવીજ કરવામાં આવશે, તેમ ઉમેર્યુ હતું.

જો કે ગઇકાલની મિટીંગમાં કલેકટરે નબળી કામગીરી બદલ અધિકારીઓનો ઉઘડો લેતા અન્ય જવાબદારોમાં પણ ધાક બેસી જતા સુચીતના કાર્યોના નિકાલમાં ઝડપ આવશેનું અધિકારીક સુત્રોએ જણાવ્યું હતું.(૨-૨૫)

(4:54 pm IST)