Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

વાજપેયીને શ્રધ્ધાંજલિ આપવાનો વિરોધ કરનાર એમઆઇએમના નગરસેવકની ધોલાઇ

વીડિયો સોશિયલ મીડિયા તેમજ ટીવી ચેનલોમાં પ્રસારિત થઇ ગયો

ઔરંગાબાદ તા. ૧૮ : માજી વડા પ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ શુક્રવારે તેમને શ્રદ્ઘાંજલિ અર્પિત કરવાનો પ્રસ્તાવ સંભાજીનગર મહાપાલિકામાં મૂકવામાં આવ્યો હતો. મજલીસ-એ-ઈત્ત્।ેહદ-ઉલ-મુસલીમીન (એમઆઈએમ)ના સભ્યએ તેનો વિરોધ કરતા શિવસેના અને ભાજપા નગરસેવકોએ તેની મારપીટ કરી હતી.

સંભાજીનગર મહાપાલિકાની સર્વસાધારણ સભામાં સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીને શ્રદ્ઘાંજલિ અર્પિત કરવા ભાજપી નગરસેવક રાજુ વૈદ્યે પ્રસ્તાવ મૂકયો હતો, પરંતુ એમઆઈએમના નગરસેવક સૈયદ મતીને તેનો વિરોધ કર્યો હતો. એકબીજા સામે દલીલો કરતાં વાતવરણ ગંભીર બન્યું હતું. આથી ભાજપી નગરસેવકે રોષે ભરાઈને એમઆઈએમના નગરસેવકને ઢોર માર માર્યો હતો. થોડા જ સમયમાં મતીનને મારતો વીડિયો સોશિયલ મીડિયા તેમ જ ટીવી ચેનલોમાં પ્રસારિત થઈ ગયો હતો.

આ ઘમસાણ થતાં સિકયોરિટીએ આવીને તેમને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો અને નજીકની હોસ્પિટલમાં મતીનને લઈ જવાયાં હતાં.

ભાજપી નગરસેવકે જણાવ્યું હતું કે આ પહેલાં પણ એમઆઈએમના સભ્યે સભામાં રાષ્ટ્રીય ગીત વગાડવા પર વિરોધ નોંધાવ્યો હતો અને હવે શ્રદ્ઘાંજલિ બાબતે તે વિરોધ કરીને સભાનું વાતાવરણ બગાડી રહ્યાં છે.

સામે પક્ષે મતીનનો દાવો છે કે તેમણે ફકત લોકશાહીમાં જે રીતે યોગ્ય હોય તે જ રીતે શ્રદ્ઘાંજલિ આપવાની વાત કહી હતી પરંતુ ભાજપના કોર્પોરેટરોએ તેની વાત માન્યા વગર જ તેની સાથે મારપીટ કરી હતી. ઘટનાના તુરંત બાદ કથિતપણે એમઆઈએમના સમર્થકોએ ભાજપા કાર્યકર્તાઓની કારને નુકસાન પહોંચાડ્યું હતું અને તેના ડ્રાઈવરને માર્યો હતો.(૨૧.૯)

(10:24 am IST)