Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

સફળ થયો ટ્રાયલ રન

હવે 100Kmની ઝડપે દોડશે માલગાડી : અને થશે ફાયદા

મુંબઈ તા. ૧૮ : વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર (ડીએફસી) પર પહેલીવાર 190kmના ટ્રેક પર માલગાડીનું ટ્રાયલ રન થયું હતું. ગત બુધવારના રોજ આ ટ્રાયલ અટેલી (હરિયાણા)થી ફુલેરા(રાજસ્થાન) વચ્ચે કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ સાથે જ ૧,૫૦૪ કિ.મી લાંબા પશ્યિમી ડીએફસીને પૂરું કરવાની કવાયત પણ ઝડપી બની છે. આ કોરિડોર પર ૧૦૦ કિ.મી પ્રતિકલાકની ઝડપથી માલગાડી ચલાવવાની યોજના છે.

નોંધનીય છે કે વર્તમાનમાં ભારતીય રેલવેમાં માલગાડીની ઝડપ ૩૦-૩૫ કિ.મી પ્રતિકલાક છે. ૯ કિ.મીના વિસ્તારને છોડતાં જેએનપીટીથી વૈતરણા સુધી ૧૦૨ ક્ષેત્ર સિવિલ વર્કનું કામકાજ શરૂ થઈ ગયું છે. ટાટા પ્રોજેકટ્સ દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. યોજના અનુસાર સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં કામ થઈ જશે. આ વર્ષના અંત સુધીમાં વેસ્ટર્ન ડીએફસીનો પહેલો તબક્કો (૯૪૧ કિમી) અટેલી-મહેસાણા સુધી જલદી શરૂ થવાની આશા છે.

૩૦ ઓકટોબર ૨૦૦૬ના રોજ કંપની એકટ હેઠળ ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની સ્થાપના થઈ હતી. વર્ષ ૨૦૦૭-૧૨ની પંચવર્ષીય યોજનામાં આ પરિયોજનાનો સમાવેશ થતો હતો. જેની હેઠળ વેસ્ટર્ન ડીએફસી અને ઈસ્ટર્ન ડીએફસી કુલ ૩,૩૬૦ કિ.મી લાંબો ફ્રેટ કોરિડોર (માલગાડીઓ માટે અલગ ટ્રેક) પ્રસ્તાવિત થયો હતો. ઈસ્ટર્ન ડીએફસી લુધિયાણા(પંજાબ)થી દાનકુની (પશ્યિમ બંગાળ) સુધી ૧,૭૬૦ કિ.મી લાંબો કોરિડોર હશે. આ કોરિડોર પર હવે ૧૦૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપથી ૧.૫ કિ.મી ડબલડેકર માલગાડી દોડશે.

માલગાડીમાં પ્રત્યેક કન્ટેનરની લંબાઈ ૪.૨૬૫ મીટર છે. જયારે ડીએફસીમાં આ લંબાઈ ૫.૧ મીટર હશે. એકની ઉપર એક કન્ટેનર હશે એટલે કે ડબલ સ્ટેક અને એકસેલની પહોળાઈ ૩,૨૦૦ મીટરથી વધીને ૩,૬૬૦ મીટર થઈ જશે. હાલ માલગાડીની લંબાઈ ૭૦૦ મીટર હોય છે. જે વધીને ૧૫૦૦ મીટર એટલે કે દોઢ કિ.મી કરવામાં આવશે. પ્રત્યેક માલગાડીની માલવહન ક્ષમતા ૪,૦૦૦ ટનના બદલે ૧૩,૦૦૦ ટન થઈ જશે. ડીએફસી પર ચાલતી એક માલગાડી ૧૩૦૦ ટ્રકનો ભાર વહન કરશે.

વેસ્ટર્ન અને ઈસ્ટર્ન ડીએફસી પછી હવે ભારતીય રેલવે ખડકપુરથી વિજયવાડા સુધીના ત્રીજા કોરિડોરની યોજના બનાવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યાનુસાર આ કોરિડોર ૧,૧૧૪ કિ.મી લાંબો હશે. જેની પર ૫૦૦ કરોડથી વધુનો ખર્ચ થશે.

આ યોજનાના મુખ્ય અધિકારી રાજીવ ત્યાગીએ જણાવ્યું કે, 'વેસ્ટર્ન ડીએફસી પર ઝડપથી કામ ચાલી રહ્યું છે મહારાષ્ટ્રમાં તેનો વિસ્તાર ૧૭૭ કિમી છે. જમીન સંપાદન કરવાનું કેટલુંક કામ બાકી છે. દીવા-પનવેલ વિસ્તારમાં કામ પણ શરૂ થઈ ચૂકયું છે. વેસ્ટર્ન ડીએફસીનું પહેલું ચરણ આ જ વર્ષે શરૂ થઈ જશે. જેમાં જેએનપીટીથી વડોદરા (૪૩૦ કિમી), વડોદરાથી રેવાડી (૯૪૭ કિમી), દાદરીથી રેવાડી (૧૨૭ કિમી)નો સમાવેશ થાય છે.' (૨૧.૪)

(9:37 am IST)