Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

સંરક્ષણ મંત્રાલયના ઓફિસરોએ ખાધી ૧૭.૫૫ કરોડની કટકી

યુક્રેનનો સનસનીખેજ ધડાકો : ભારત પાસે તપાસમાં માંગી મદદ : લશ્‍કરના ટ્રાન્‍સપોર્ટ એરક્રાફટ એએન-૩રની ખરીદીમાં ‘મલાઇ' ખાનાર કોણ ? જબરી ચર્ચા

નવી દિલ્‍હી, તા. ૩૧: ભારતીય સંરક્ષણ મંત્રાલયમાં કટકીનો સિલસિલો ચાલુ જ છે. સેનાના ટ્રાન્‍સપોર્ટ એરક્રાફટ એએન-૩રના સ્‍પેરપોર્ટસની ખરીદીમાં કથીત રીતે ર.૬ મિલિયન ડોલર એટલે કે રૂા. ૧૭.પપ કરોડ રૂપિયાનું કૌભાંડ થયાનું ખૂલ્‍યું છે. આ બારામાં લાંચ અપાયાના મામલાની યુક્રેન સરકાર તપાસ કરી રહી છે. યુક્રેનના એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોને શંકા છે કે આ મામલામાં ભારતીય સંરક્ષણ મંત્રાલયના કેટલાક અધિકારીઓની મિલીભગત હોય શકે છે. ઇન્‍ડીયન એકસપ્રેસે આ ખુલાસો કર્યો છે.

આ અખબારે જણાવ્‍યું છે કે આ વર્ષે ૧૩ ફેબ્રુઆરીના રોજ યુક્રેનના નેશનલ એન્‍ટીકરપ્‍શન બ્‍યુરોએ કીવ સ્‍થિત ભારતીય દુતાવાસના રાજદુત થકી ગૃહ મંત્રાલય પાસે મદદ માંગી હતી. આંતરરાષ્‍ટ્રીય કાનૂની મદદ'ની આ દરખાસ્‍તમાં સંરક્ષણ મંત્રાલયના એવા અધિકારીઓની માહિતી માંગવામાં આવી હતી જે સોદા સાથે જોડાયેલા હતાં અને તેઓ વાતચીત, સહી અને સોદાના અમલીકરણમાં સામેલ હતાં.

યુક્રેનના સરકારી સ્‍પેટસટેકનો એકસપર્ટ અને ભારતીય સંરક્ષણ મંત્રાલય (વાયુદળ) વચ્‍ચે ર૬ નવેમ્‍બર ર૦૧૪ના રોજ એક સોદો થયો હતો જે હેઠળ સ્‍પેટસ ટેકનો એકસર્ટ  ભારતના હિન્‍દુસ્‍તાન એરોનોટિકસ લી.ને સ્‍પેરપાર્ટસ સપ્‍લાય કરવાના હતાં.

યુક્રેનના એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોને શંકા હતી કે સોદાના ૧૧ મહિના બાદ સ્‍પેટસ ટેકનો એકસપર્ટે એક અજાણી કંપની ગ્‍લોબલ માર્કેટીંગ એસ.પી લી. પાસે એક કરાર કરાવ્‍યો હતો કે જેથી મંત્રાલય સાથે થયેલા સોદાને લાગુ કરી શકાય.

એક ખાતામાં ર.૬ મિલિયન ડોલરની રકમ ટ્રાન્‍સફર કરવામાં આવી હતી. શંકા છે કે સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓને કદાચ એ બાબતની માહિતી હોય કે કયા સંજોગોમાં સ્‍પેટ્‍સટેકનોએકસપોર્ટએ ગ્‍લોબલ માર્કેટીંગ કંપની સાથે ૧૩ ઓગષ્‍ટ ર૦૧પના રોજ બીજો સોદો કર્યો.

એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોમાં એ બાબતની માહિતી માંગી છે કે ભારત અને સ્‍પેટ્‍સટેકનો એકસપોર્ટ વચ્‍ચે થયેલી ડીલને લાગુ કરવામાં ગ્‍લોબલ માર્કેટીંગની ભૂમિકા છે કે નહિ ? શું ભારતીય સંરક્ષણ મંત્રાલયના કોઇ અધિકારીઓ અને ગ્‍લોબલ માર્કેટીંગના પ્રતિનિધિઓ વચ્‍ચે કોઇ સંબંધ છે કે નહિં?

(11:26 am IST)