Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

RSS મુંબઇમાં યોજશે ભવ્‍ય ઇફતાર પાર્ટી : ૩૦ મુસ્‍લિમ દેશોના રાજદૂતોને વિશેષ આમંત્રણ

મુંબઇ તા. ૩૧ : હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્‍યારે મુસ્‍લિમ બિરાદરો ખુદાની ઈબાદતમાં વ્‍યસ્‍ત છે. ત્‍યારે રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘ મુસ્‍લીમોને રીઝવવાની તૈયારી કરી રહ્યો છે. RSS દ્વારા ભવ્‍યાતિ ભવ્‍ય ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્‍યું છે.

મુસ્‍લિમોમાં પોતાની પહોંચ બનાવવા માટે છેલ્લાં ૨ વર્ષથી રમઝાન મહિનાનાં ઉપક્રમે મુસ્‍લિમો માટે RSSએ ઈફતાર પાર્ટી આપવાનું શરૂ કર્યુ છે. જો કે, આ આયોજનની જવાબદારી RSS સાથે જોડાયેલા ‘રાષ્ટ્રીય મુસ્‍લીમ મંચ'ને વિશેષ રીતે સોંપવામાં આવી છે અને સ્‍થળ તરીકે મુંબઇની પસંદગી કરવામાં આવી છે.

રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ સાથે જોડાયેલું મુસ્‍લિમ રાષ્ટ્રીય મંચ એટલે કે MRM. રમઝાનનાં અવસરે વિશેષ રીતે મુંબઈમાં ઈફતાર પાર્ટીનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે. ૪ જૂન રોજ સહ્યાદ્રિ ગેસ્‍ટ હાઉસમાં યોજાવા જઈ રહેલી આ ઇફતાર પાર્ટીમાં મુસ્‍લિમ દેશોનાં રાજદૂતો ઉપરાંત મુસ્‍લિમ સમુદાયનાં પ્રતિષ્ઠિત લોકોને પણ વિશેષ આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

સૌથી રસપ્રદ બાબત તો એ છે કે, RSS તરફથી મુંબઈમાં કોઈ ઈફતાર પાર્ટીનું આયોજન કરાઈ રહ્યું હોય. મુસ્‍લિમ સમુદાયમાં પોતાની સ્‍વિકાર્યતા બનાવવા માટે ૨૦૧૫માં RSS તરફથી આ પ્રકારનાં આયોજનની વિશેષ શરૂઆત કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી આવાસમાં આ પ્રકારની પાર્ટીઓનું આયોજન ન કરવાનાં પીએમ મોદીનાં નિર્ણય બાદ આ વખતે પથમ વાર આ પ્રકારનું પગલું ભરાઈ રહ્યું છે. જો કે, અત્‍યાર સુધી મુસ્‍લિમ સમુદાય સાથે જોડાયેલાં RSSના આ પ્રકારનાં આયોજનો માત્ર ઉત્તર ભારત સુધી જ સિમિત હતાં.

મુંબઈમાં ઈફતાર પાર્ટીનું આયોજન કરવા પાછળ RSSનો ઉદ્દેશ્‍ય દેશનાં પヘમિ અને દક્ષિણ હિસ્‍સામાં મુસ્‍લિમો સુધી પોતાની પહોંચ બનાવવાનો જાણવા મળી રહ્યું છે. મુંબઈ ભારતની રાજધાની છે અને ઘણાં દેશોનાં વાણિજિયક દૂતાવાસો પણ છે. મુંબઈમાં મોટી સંખ્‍યામાં મુસ્‍લિમ વેપારીઓ પણ વસવાટ કરે છે.

જેઓએ દેશનાં વિકાસમાં યોગદાન આપ્‍યું છે. આ ઉપરાંત મુસ્‍લિમ સમાજ સાથે જોડાયેલી એવી ઘણી સુપ્રસિદ્ધ વ્‍યક્‍તિઓ છે કે જે મનોરંજન જગતનો મહત્‍વનો હિસ્‍સો છે. RSS આ પ્રકારની ઈફતાર પાર્ટીનાં આયોજનો દ્વારા આવાં દરેક લોકો સાથે કંઇક અલગ જ પ્રકારે વાતચીત કરવા માંગે છે.

આ ઉપરાંત આ પ્રકારનાં આયોજન દ્વારા લઘુમતી સમાજ વચ્‍ચે RSS અંગે ફેલાયેલા ભ્રમને દૂર કરવા માટેનાં પ્રયાસ તરીકે પણ આ ઈફતાર પાર્ટીનું આયોજન કરાયું હોવાનું જોવાઈ રહ્યું છે. કદાચ RSS લઘુમતીઓને એ જણાવવા માંગે છે કે, RSS ક્‍યારેય કોઈ જ સમુદાય વિશેષની વિરૂદ્ધમાં નથી.

આ પ્રકારનાં આયોજન દ્વારા RSS એ વાત અલ્‍પસંખ્‍યક સમુદાયને ગળે ઉતારવા માગે છે કે, RSS દરેક સમાજ સાથે સમાન વ્‍યવહાર રાખે છે અને તે કોઈ એક સમુદાય ને એમાંય ખાસ કરીને મુસ્‍લિમો વિરૂદ્ધ છે જ નહીં.

આ ઉપરાંત આ આયોજનનો એક હેતુ એ પણ છે કે મુસ્‍લિમ સમુદાયમાં RSSને લઈને જે પણ ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે તે દૂર કરી શકાય. પરંતુ RSS જયાં સુધી મુસ્‍લિમો સાથે જોડાયેલા મુદ્દાઓમાં ખાસ કરીને ગૌમાંસ પર પ્રતિબંધ, ગૌહત્‍યાને બહાને મુસ્‍લિમ નાગરિકો સાથે મારપીટ, સમાન નાગરિક ધારો અને આતંકવાદનાં નામે મુસ્‍લિમ યુવકોને નિશાન બનાવવા જેવા મુદ્દે પોતાનું વલણ સાફ નહીં કરે ત્‍યાં સુધી સંઘ અને મુસ્‍લિમ સમુદાય વચ્‍ચે એક ખુલ્લા દિલનો સંવાદ કે નિખાલસ ચર્ચા નહીં થઈ શકે.

(10:41 am IST)