Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

વાહ ભૈ વાહ... મહારાષ્‍ટ્ર સરકારે તુવેરદાળના ભાવ રૂા. ૨૦ ઘટાડયા : હવે મળશે રૂા. ૫૫માં

૪ કરોડ લોકોને ફાયદો : સરકાર ઉપર ૨૬ રૂા. પ્રતિકિલો પડશે બોજો

મુંબઈ તા. ૩૧ : મહારાષ્ટ્રમાં સરકારી રેશનની દુકાનમાં ૩૫ રૂપિયા કિલો તુવેર દાળ વેચાશે. અત્‍યાર સુધી સરકાર આ જ દાળ પંચાવન રૂપિયા પ્રતિ કિલો વેચી રહી હતી. સરકારના આ નિર્ણયથી અંદાજે ચાર કરોડ લોકોને ફાયદો થવાનો અંદાજ છે. તેનાથી સરકાર પર પ્રતિ કિલો અંદાજે ૨૬ રૂપિયાનો બોજ પડશે. આ અંગે માર્કેટિંગ વિભાગના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે સરકાર પર કેટલો બોજ પડશે તેનું અનુમાન દાળનું વેચાણ થયા બાદ જ કરી શકાશે.

આ વર્ષે મહારાષ્ટ્રમાં તુવેર દાળનું મબલખ ઉત્‍પાદન થયું છે. ગયા વર્ષે રાજય સરકારે ખેડૂતો પાસેથી ૨૫ લાખ ક્‍વિટંલ અને કેન્‍દ્ર સરકારે ૫૧ લાખ ક્‍વિટંલ તુવેર દાળ ૫૦.૫૦ રૂપિયા પ્રતિ કિલોના દરે ખરીદી હતી. સરકાર આ વર્ષે ખેડૂતો પાસેથી ૫૪ રૂપિયા પ્રતિ કિલો તુવેર દાળ ખરીદી રહી છે, તેથી સરકારના ગોદામ તુવેર દાળથી ભરાયેલા છે. પરિસ્‍થિતિ એ છે કે તુવેર દાળ રાખવા માટે સરકાર પાસે ગોદામ ઓછા પડી રહ્યા છે.

રાજય સરકાર રેશનની દુકાનો પર પંચાવન રૂપિયા પ્રતિ કિલો તુવેર દાળ વેચી રહી હતી, છતાંય ધાર્યા અનુસાર ખપત ન થઇ. દરમિયાન કર્ણાટક અને તમિલનાડુ સરકારે સસ્‍તામાં દાળ વેચવાનો નિર્ણય લીધો. રેશનની દુકાનોમાં કર્ણાટકમાં ૩૮ રૂપિયા અને તમિલનાડુમાં ૩૦ રૂપિયા કિલો તુવેર દાળ મળી રહી છે. આ રાજયોને અનુસરીને મહારાષ્ટ્ર સરકારે પણ આ નિર્ણય લીધો છે.

દેશમાં ભાજપની સરકાર આવ્‍યા બાદ દેશભરમાં દાળની કિંમત આસમાને પહોંચી હતી. મહારાષ્ટ્રમાં તુવેર દાળ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઇ હતી. દાળની કિંમતથી હેરાન થઇને સરકારે અનેક પગલાં ભરીને આ કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી લઇને આવી હતી.

(10:38 am IST)