Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

SBIએ FDના દરમાં વધારો કર્યો

મુંબઇ તા. ૩૧ : ભારતની સૌથી મોટી ધિરાણકર્તા સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા (એસબીઆઇ)એ ઈં એક કરોડથી નીચેની રિટેલ ફિક્‍સ્‍ડ ડિપોઝીટ પરના વ્‍યાજદર ૨૫ બેસિસ પોઇન્‍ટ સુધી વધાર્યા છે, જે ૨૮મીએ અમલી બની ગયા છે.

બેન્‍કની વેબસાઇટ પ્રમાણે બેન્‍કે ૫ બેસિસ પોઇન્‍ટથી ૨૫ બેસિસ પોઇન્‍ટ સુધીનો વધારો કર્યો છે. એકથી બે વર્ષ સુધીની ટર્મ ડિપોઝીટ પર ૬.૪ ટકાને બદલે ૬.૬૫ ટકા વ્‍યાજ મળશે. સિનિયર સિટીઝનને એકથી બે વર્ષની ડિપોઝીટ પર ૬.૯ ટકાને બદલે ૭.૧૫ ટકા મળશે. બેથી ત્રણ વર્ષની ડિપોઝીટ પર ૭.૧૫ ટકા વ્‍યાજ મળશે. આ રેટ ઈં એક કરોડથી નીચેના મૂલ્‍યની એફડી પર લાગુ પડશે.

એક કરોડથી ૧૦ કરોડ વચ્‍ચેની બલ્‍ક ડિપોઝીટ અને એકથી બે વર્ષની ડિપોઝીટ પર સાત ટકા અને સિનિયર સિટિજનને ૭.૫ ટકા વ્‍યાજ મળશે. બાકીની તમામ પાકતી મુદતની એફડી પર વ્‍યાજદર યથાવત રાખવામાં આવ્‍યા છે. જેમ કે, ૭ દિવસથી ૪૫ દિવસની પાકતી મુદતની થાપણો પર ૫.૭૫ ટકાનો વ્‍યાજદર, ૪૬ દિવસથી ૧૭૯ દિવસની ડિપોઝીટ પર ૬.૨૫ ટકા અને ૧૮૦ દિવસની થાપણ પર ૬.૩૫ ટકા વ્‍યાજ આપવામાં આવશે.

૨૧૧ દિવસથી ૩૬૫ દિવસ સુધીની પાકતી મુદતની એફડી પર ૬.૪૦ ટકા, ત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધીની મેચ્‍યોરિટી ધરાવતી એફડી પર ૬.૭૦ ટકા અને પાંચ વર્ષથી ૧૦ વર્ષ સુધીની એફડી પર ૬.૭૫ ટકા વ્‍યાજ આપવામાં આવશે.

(10:42 am IST)