Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

તેલંગાણાઃ મહિલા ડોકટર સાથે ગેંગરેપ-હત્યાના બનાવ બાદ વધુ એક મહિલાનો બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

પોલીસે મુખ્ય આરોપી તરીકે બે ટ્રક ડ્રાઇવરો મોહમ્મદ પાશા, નવીન તથા ટ્રક કિલનરો કેશવુલુ અને શિવાની ધરપકડ કરી

નવી દિલ્હી, તા.૩૦: તેલંગાણાથી વધુ એક કમકમાટી ઉપજાવે તેવો મામલો સામે આવ્યો છે. અહીં શમશાબાદ વિસ્તારમાં વધુ એક મહિલાનો બળી ગયેલી હાલમાં મૃતદેહ મળી આવ્યો છે. આ એ જ વિસ્તાર છે જયાં મહિલા ડોકટર સાથે બળાત્કાર કરીને તેણીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.

આ અંગે સાઇબરાબાદના પોલીસ કમિશનર વી.સી. સજ્જનરે કહ્યુ કે, શમશાબાદના છેવાડાના વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો છે. પ્રાથમિક તપાસ પછી મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. શમશાબાદના સિડ્ડુલાગટ્ટા રોડ પાસે મહિલાનો બળી ગયેલો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાની ઉંમર આશરે ૩૫ વર્ષ બતાવવામાં આવી રહી છે.

નોંધનીય છે કે હૈદરાબાદ-બેંગલુરુ હાઇવે પર એક સરકારી મહિલા ડોકટરનો બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. મહિલા ડોકટરને ગેંગરેપ બાદ મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આરોપીઓએ મૃતદેહને સળગાવીને તેને ફલાઇઓવરથી નીચે ફેંકી દીધો હતો.

પોલીસને મહિલાની લાશ શાદનગર શહેરની પાસે ચટનપલ્લી પુલની પાસે સળગેલી હાલતમાં મળી. પોલીસને આશંકા છે કે દુષ્કર્મ બાદ પ્રિતીની હત્યા કરવામાં આવી છે. ટોલ પ્લાઝાની પાસે પોલીસને દારૂની બોટલ, કપડાં અને તેના જૂતા મળી આવ્યા છે. મહિલા ડોકટરની હત્યાના સંદર્ભમાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે જેમાં બે ટ્રક ડ્રાઇવર અને બે કિલનરોનો સમાવેશ થાય છે. પોલીસે મુખ્ય આરોપી તરીકે બે ટ્રક ડ્રાઇવરો મોહમ્મદ પાશા, નવીન તથા ટ્રક કિલનરો કેશવુલુ અને શિવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ચારેય આરીપો સામે અપહરણ, સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે.૨૨ વર્ષીય ડો. પ્રિતી રેડ્ડી (બદલેલું નામ) વેટનરી ડોકટર હતી, તે બુધવારે કોલ્લુર સ્થિત પશુ ચિકિત્સાલય પોતાની ડ્યૂટી પર ગઈ હતી. તેણે પોતાની સ્કૂટી ટોલ પ્લાઝાની પાસે પાર્ક કરી હતી. જયારે તે રાત્રે ઘરે પરત આવી રહી હતી તો તેણે જોયું કે તેની સ્કૂટીમાં પંકચર છે, સ્કૂટીમાં પંકચર થયેલું જોઈને તેણે પોતાની બહેનને ફોન કર્યો હતો. રાતનો સમય હોવાના કારણે પ્રિતીએ બહેનને જણાવ્યું કે, સ્કૂટી ખરાબ થઈ ગયું છે, મને અહીં ડર લાગી રહ્યો છે. આસ-પાસ માત્ર ટ્રક જ દેખાઈ રહ્યાં છે. આ વાત સાંભળી પ્રિતીની બહેને તેને સ્કૂટી ત્યાં જ મૂકીને કેબ કરીને દ્યરે આવવા કહ્યું હતું.

પ્રિતીએ કોલ બેક કરવાનું કહીને ફોન કટ કરી દીધો હતો. જયારે તે મોડે સુધી દ્યરે ન પહોંચી તો પરિવારે તેને ફોન કર્યો તો ફોન બંધ આવી રહ્યો હતો. તેથી તે લોકો જાતે ટોલ પ્લાઝા ખાતે શોધખોળ કરવા માટે ગયા. ટોલ પ્લાઝા પહોંચતા તેમને કોઈ મળ્યું નહીં. ત્યારબાદ પરિવારે રાત્રે ૧૧ વાગ્યે પોલીસને ફરિયાદ કરી. પરંતુ ગુરુવારે પોલીસને પ્રિતીની લાશ મળી.

(4:03 pm IST)