Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પાકિસ્તાનના ચીફ જસ્ટીસની હૈયાવરાળઃ બંધારણની વાત કરીએ તો અમને ભારતના એજન્ટ ગણાવવામાં આવે છે

ઇસ્લામાબાદ તા.૩૦ : પાકિસ્તાનમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ આસિફ સઇદ ખાન ખોસાએ ઉગ્ર ટીકા કરતા કહયું છે કે જો અમે કાયદાની અથવા બંધારણીય બારીકીઓની વાત કરીએ છીએ તો અમને ભારત અથવા સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ એજન્સી (સીઆઇએ)ના એજન્ટ કહેવામાં આવે છે. ખોસાએ આ ટીકા ગુરૂવારે આર્મી ચીફ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ વધારવાના કેસની સુનાવણી દરમિયાન કરી હતી.

પાકિસ્તાનના ચીફ જસ્ટીસે સરકાર અને વડાપ્રધાન ઇમરાન ખાન પર વ્યંગ કર્યો હતો. ચુકાદો વાંચતા પહેલા ખોસાએ કહયુ કે અમે જયારે પણ બંધારણીય અથવા કાયદાકીય બારીકીઓમાં જઇએ છીએ ત્યારે કહેવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટના જજ અમેરિકા ગુપ્તચર એજન્સી સીઆઇએના એજન્ટ છે. ત્રણ જજોને ભારતના એજન્ટ અથવા જાસુસ ગણવામા આવે છે. ખોસાએ એટર્ની જનરલ મંસૂરને કહયું કે આપની બિનજવાબદારીના કારણે સેના પ્રમુખને આ બધુ ભોગવવુ પડયુ છે. સેના પ્રમુખના કાર્યકાળમાં વધારા બાબતે થઇ રહેલા વિવાદનો ફાયદો ભારત ઉઠાવી શકે છે તેવું એટર્ની જનરલની દલીલના જવાબમાં ખોસાએ આ ટીકા કરી હતી.

(4:02 pm IST)