Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ફારૂક-ઉંમર-મહેબુબાને છોડવા કોઇ નિર્ણય નથી લેવાયો

ભાજપાના જમ્મુ કાશ્મીરના પ્રભારી અવિનાશ ખન્નાનું બયાન

શ્રીનગર તા. ૩૦: ભાજપાના જમ્મુ કાશ્મીર પ્રભારી અવિનાશરાય ખન્નાએ ગઇકાલે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોને છોડવા બાબતે કોઇ નિર્ણય નથી લેવાયો. આ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોને કલમ ૩૭૦ હટાવ્યા પછી નજર કેદ કરાયા હતા.

ખન્નાએ કહ્યું, ''ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોને છોડવા બાબતે કંઇ નકકી નથી કરવામાં આવ્યું. પ્રશાસન તેમને છોડવા કે નહીં અથવા કયારે છોડવા તેનો નિર્ણય લેશે. તેમાંથી કેટલાક સામે કોર્ટમાં કેસ છે.''

જમ્મુ કાશ્મીર વિધાનસભા વિસ્તારોના સીમાંકન મુદ્દે તેમણે કહ્યું કે ઉપરાજયપાલ મૂર્મુએ આના માટે પ્રક્રિયા ચાલુ કરવાની છે. ખન્નાએ કહ્યું કે અમે જમ્મુમાં બૂથ, તાલુકા અને જીલ્લા સ્તરે ચુંટણીઓ પુરી કરી છે હવે કાશ્મીરમાં પણ તેમ કરવામાં આવશે.

ઇન્ટરનેટ પ્રતિબંધ અંગે તેમણે કહ્યું કે આના કારણે મીડીયા કર્મીઓને તકલીફ થઇ રહી છે અને હું આ બાબતે ઉચ્ચ અધિકારીઓ સામે રજૂઆત કરીશ. અમે પ્રયત્ન કરશું કે ઇન્ટરનેટ પ્રતિબંધ જલ્દી સમાપ્ત થાય.

કલમ ૩૭૦ રદ થયા પછી કાશ્મીરમાં પહેલા મોટા રમત ગમતના કાર્યક્રમ ''ખેલો ઇન્ડીયા''ને પ્રોત્સાહન આપવા માટે ખન્નાએ કહ્યું કે આ કાર્યક્રમમાં વિભીન્ન જીલ્લાઓના વિદ્યાર્થીઓએ શ્રીનગરના ઇન્ડોર સ્ટેડીયમમાં વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે આ કાર્યક્રમનું આયોજન સફળ રહ્યું હતું અને ૭૦૦ થી વધારે બાળકોએ ખેલ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.

(4:01 pm IST)