Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

રાજકીય પક્ષોનું ગઠબંધન અટકાવીશું તો દેશમાં લોકતંત્ર રહેશે જ નહીઃ સુપ્રીમ કોર્ટ

શિવસેના-NCP-કોંગ્રેસના ગઠબંધન વિરુદ્ઘ કરાયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવીઃ બંધારણીય નૈતિકતા એ રાજકીય નૈતિકતાથી અલગ છે

મુંબઇ, તા.૩૦: મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ-એનસીપીની ગઠબંધન સરકાર વિરુદ્ઘ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મહા વિકાસ અદ્યાડીને રાહત આપતા ગઠબંધનને અપવિત્ર સંબોધતી અરજી ફગાવી દીધી હતી. સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે કોર્ટ ગઠબંધનની સમીક્ષા કેમ કરે? ચૂંટણી પરિણામ પહેલાના ગઠબંધન અને પછીના ગઠબંધનમાં કોર્ટ કેમ દખલ કરે? કોર્ટે જણાવ્યું કે રાજકીય પાર્ટીના ગઠબંધનને રોકી ન શકાય. જો આ પ્રકારની અરજી સ્વીકારી લેવામાં આવે તો દેશમાં લોકતંત્ર રહેશે જ નહી.

સુનવણી દરમિયાન જસ્ટિસ રમનાએ જણાવ્યું કે અમે કર્ણાટક મામલે નિર્ણય આપતા કહ્યું હતું કે બંધારણીય નૈતિકતા એ રાજકીય નૈતિકતાથી અલગ છે. કોર્ટે કહ્યું કે રાજકીય પાર્ટીઓને ગઠબંધન કરવાથી રોકી ન શકાય. આ નિર્ણય જનતાએ કરવાનો છે કે કોર્ટે. કોર્ટ પાસે એની અપેક્ષા ન કરશો જે એના ક્ષેત્ર અધિકારમાં સામેલ નથી.

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ-એનસીપીની સંયુકત સરકાર બન્યા પછી તેમના ગઠબંધન વિરુદ્ઘ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી પર કોર્ટે સુનવણી કરી હતી. આ સુનવણી જસ્ટિસ એન વી રમના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે કરી હતી.  આ એજ બેંચ હતી જેણે મહારાષ્ટ્રમાં ફલોર ટેસ્ટ માટે નિર્ણય આપ્યો હતો.

(3:59 pm IST)