Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

હરિયાણામાં છોકરીઓની તંગીઃ બે વર્ષમાં બહારના રાજયોમાંથી ૧.૩૦ લાખ 'કન્યાઓ'ની ખરીદી

વાંઢાઓની સંખ્યા વધી રહી છેઃ એજન્ટો થકી બીજેથી લવાય છે કન્યાઓ

રોહતક, તા.૩૦: દેશમાં સૌથી ઓછો સેકસ રેશિયો ધરાવતા ટોચના રાજયોમાંના એક એવા હરિયાણામાં તો હાલત એવી છે કે, અહીં છેલ્લા બે વર્ષમાં બહારના રાજયોમાંથી ૧.૩૦ લાખ દુલ્હનો 'ખરીદવામાં'આવી છે. દુલ્હનો ખરીદવામાં આવી છે તે શબ્દપ્રયોગ કરવા પાછળનું કારણ એ છે કે, અહીં વાંઢાઓની સંખ્યા વધી રહી છે, અને છોકરી ન મળતાં આખરે આ લોકો એજન્ટોને લાખો રુપિયા આપી છત્તીસગઢ, ઝારખંડ જેવા રાજયોમાંથી આદિવાસી છોકરીઓને પરણીને લઈ આવે છે. રાજયનાં સેલ્ફી વિથ ડોટર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર, જુલાઈ ૨૦૧૭ થી સપ્ટેમ્બર ૨૦૧૯ દરમિયાન ૧૨૫ સ્વંયસેવકોએ ગામેગામ ફરીને ડેટા કલેકટ કર્યો હતો, જેમાં આ ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.

ગુરુગ્રામ સ્થિત પ્રણબ મુખર્જી ફાઉન્ડેશનના એડવાઈઝર સુનીલ જગલનના જણાવ્યા અનુસાર, બહારના રાજયોમાંથી ખરીદવામાં આવેલી દુલ્હનોમાંથી ૧,૪૭૦ તો 'લૂંટેરી દુલ્હન' સાબિત થઈ છે. લગ્નના થોડા જ સમયમાં તેઓ દ્યરેણાં સહિતનો કિમતી સામાન લઈને સાસરિયાંને અંધારામાં રાખી રફુચક્કર થઈ ગઈ હતી. ફરિયાદ ના નોંધાઈ હોય તેવા પણ આ પ્રકારના દ્યણા કિસ્સા હોઈ શકે છે.

કેટલાક કિસ્સામાં તો છોકરીને ૧૮ વર્ષ પૂરા ન થયા હોવાથી તેમના મા-બાપ છોકરાવાળા સામે પોલીસ કેસ કરી દેતા હોય છે. સર્વેનું માનીએ તો, મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોમાં દુલ્હન ખરીદવાનું પ્રમાણ વધારે છે, અને જો દુલ્હન લૂંટેરી નીકળે તો લોકો પોલીસના ચક્કરમાં પડવાનું ટાળવા ફરિયાદ નથી કરતાં હોતાં.

સર્વે કરનારી ફઞ્બ્ના જણાવ્યા અનુસાર, ૧૯૮૦થી હરિયાણામાં અસમ, બંગાળ, ઝારખંડ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ તેમજ છેક તમિલનાડુથી દુલ્હનો લવાય છે. તે વખતે આ રાજયોની કુંવારી છોકરીઓ ૨૦,૦૦૦ રુપિયામાં મળતી. લગ્નોત્સુક વાંઢાઓ દિલ્હી અને બંગાળના એજન્ટની મદદથી પોતાના માટે છોકરી શોધતા હોય છે.

અગાઉના સમયમાં સંયુકત કુટુંબ વ્યવસ્થા મજબૂત હતી ત્યારે જમીનના વધુ ભાગલા ના પડે તે માટે બધા ભાઈઓ લગ્ન કરવાનું ટાળતાં, અને તેમના માટે બહારના રાજયમાંથી દુલ્હન ખરીદવામાં આવતી હતી. આવી દુલ્હનને પારો, મોલ્કી બહુ જેવા ઉતરતી કક્ષાના નામ આપવામા આવતા હતા. સુનિલ જગલનના જણાવ્યા અનુસાર, અહિરવાલ બેલ્ટમાં આવો ટ્રેન્ડ સૌ પહેલા શરુ થયો હતો, અને પછી તો રોહતક, જિંદ, હિસ્સાર, કૈથલ, યમુનાનગર, કુરુક્ષેત્રમાં પણ તે પ્રસર્યો અને જાટ, યાદવ તેમજ બ્રાહ્મણ જેવા સમાજમાં તે ફુલ્યોફાલ્યો.

સુનિલ જગલન હરિયાણામાં ચાલતા દુલ્હનના કારોબાર પર એક પુસ્તક પણ લખી રહ્યા છે જેનું નામ છે 'પરદેસી બહુ'. આ પુસ્તક વહુઓની ખરીદીના ઈતિહાસથી લઈને તેમની સ્થિતિ, તેમની સાથે સંકળાયેલા મુદ્દા તેમજ તેમને થતી સમસ્યાઓ પર આધારિત છે. તેમનું કહેવું છે કે, રાજય સરકારે આ પ્રકારે લવાતી દુલ્હનોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું જોઈએ.

કથળેલા સેકસ રેશિયો માટે બદનામ હરિયાણામાં છેલ્લા એક દાયકામાં તેમાં ખાસ્સો સુધાર પણ આવ્યો છે. ૨૦૧૨માં રાજયમાં દર ૧૦૦૦ છોકરા સામે માત્ર ૮૩૨ છોકરી હતી, જે પ્રમાણ ઓગસ્ટ ૨૦૧૯માં વધીને ૯૨૦ પર પહોંચ્યું છે.

(3:58 pm IST)