Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

GDP ઘટતાં અર્થતંત્રની સ્થિતિ હજુ વધુ કથળશે

કોર સેકટરના ઉત્પાદનના આંકડા પણ અર્થતંત્ર માટે ચિંતાજનક છે

નવી દિલ્હી તા.૩૦: ભારતના આર્થિક વિકાસની ગતિ ૨૦૧૩ બાદ સૌથી ધીમી થઇ ગઇ છે છેલ્લા ૧૮ મહિના દરમિયાન દેશનો વિકાસદર સતત ગબડી રહ્યો છે. ભારતે દુનિયાની સૌથી ઝડપથી વિકસતી ઇકોનોમી હોવાનો તાજ ચીનના હાથે ગુમાવી દીધો છે.

શુક્રવારે જારી કરાયેલ જીડીપી દર અને કોર સેકટરના ઉત્પાદનના આંકડા તેમજ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ઘટવાથી આર્થિક વૃદ્ધિદર ચાલુ નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં ગગડીને ૪.૫ ટકા પર આવી ગયો છે. જીડીપીનો આ દર છ વર્ષના સૌથી નીચેના તળિયે છે.

સરકારી ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે ગ્રાહકોની ડિમાન્ડ ઘટી રહી છે અને તેથી હજુ પણ સ્થિતિ વધુ કથળશે એવા નિર્દેશો મળી રહ્યા છે. ઇકોનોમીની સ્થિતિ સરકારી ખર્ચમાં વધારા પર નિર્ભર છે. ઇકોનોમીની આવી સુસ્ત હાલત હજુ એક-બે વર્ષ સુધી ખેંચાઇ શકે છે. આ માટે બજારમાં ડિમાન્ડ વધે તે માટે રિઝર્વ બેન્ક આગામી સપ્તાહે ફરી વ્યાજદર ઘટાડી શકે છે.

પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહનસિંહે પણ જણાવ્યું છે કે જીડીપી દર ૪.૫ ટકા પર આવી જતાં તેની વિનાશકારી અસરો અર્થતંત્ર પર જોવા મળશે. આ સ્થિતિ ખરેખર ચિંતાજનક છે. તેનાં ઘાતક પરિણામ ખેડૂતો, યુવાનો અને ગરીબો પર જોવા મળી શકે છે.

(3:57 pm IST)