Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પરિવારે કહ્યુ- પોલીસ એક થાણાથી બીજા થાણે મોકલતી રહી

હૈદારાબાદના બહારના વિસ્તાર શાદનગર વિસ્તારના અંડરપાસ પાસે મહિલા ડોકટરની બળી ગયેલી હાલતમાં લાશ મળી હતી, ડોકટર સાથે બળાત્કાર બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી

હૈદરાબાદ, તા.૩૦:  હૈદરાબાદ ગેંગરેપ અને હત્યા કેસે આખા દેશને હચમચાવી નાખ્યો છે. પીડિત મહિલા ડોકટર સાથે જે હેવાનિયત થઈ છે તેનાથી આખો દેશ દંગ રહી ગયો છે, બીજી તરફ પીડિતાના પરિવારે આ મામલે પોલીસના વલણ પર પણ અનેક સવાલ ઉભા કર્યા છે. પરિવારના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં પોલીસે રિપોર્ટ લખવામાં વાર લગાવી હતી. પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે, શરૂઆતમાં પોલીસે એવું કહીને કંઈ કરવાનો ઇન્કાર કરી દીધો હતો કે આ બનાવ બીજા પોલીસ મથકનો છે. નોંધનીય છે કે તેલંગાણાના પાટનગર હૈદરાબાદમાં એક મહિલા વેટનરી ડોકટરની રેપ બાદ હત્યા કરી નાખવામાં આવી છે. ૨૭ વર્ષની મહિલા ડોકટરની હત્યાના મામલાએ આખા દેશમાં ગરમી પકડી લીધી છે.

પીડિતાની બહેને કહ્યુ કે, 'માતાને કહેવા પર હું ટોલ પ્લાઝા ગઈ હતી. તે મળી ન હતી. મેં પોલીસને ફોન કર્યો હતો. જે બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. તેણી ટોલ પ્લાઝા સુધી પહોંચી હતી. જોકે, પછીના ફૂટેજ ન હતાં. જે બાદમાં પોલીસે કહ્યું કે આ તેમના પોલીસ સ્ટેશનનો મામલો નથી, તે વિસ્તાર બીજા પોલીસ મથક હેઠળ આવે છે. ત્યાં પહોંચતાં પહોંચતાં રાતના સાડા ત્રણ વાગી ગયા હતા. હું ઘરે પરત આવી ગઈ હતી અને મારા પિતા બે સિપાહી સાથે બહેનની શોધખોળ કરતા રહ્યા હતા. સાડા પાંચ વાગ્યે તેઓ પરત આવ્યા હતા.

પોલીસે આ મામલે ચાર લોકોની ધરપકડ કરી છે. હૈદારાબાદના બહારના વિસ્તાર શાદનગર વિસ્તારના અંડરપાસ પાસે મહિલા ડોકટરની બળી ગયેલી હાલતમાં લાશ મળી હતી. ડોકટર સાથે બળાત્કાર બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી. જે બાદ ઓળખ છૂપાવવા માટે તેની લાશને સળગાવી દીધી હતી. મહિલા ડોકટરને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયા પર અનેક ચળવળ ચલાવવામાં આવી રહી છે.

(3:56 pm IST)