Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

હૈદ્રાબાદઃ હેવાનિયતની ઘટનાથી શેરીથી સંસદ સુધી જનાક્રોશ

હૈદ્રાબાદમાં મહિલા પશુ ચિકિત્સક ઉપર દુષ્કર્મ તથા હત્યાનો મામલોઃ સંસદની બહાર બેઠી દિલ્હીની બેટીઃ પુછયા સવાલ : સોશ્યલ મીડિયામાં શોકની લહેરઃ લોકો શેરીઓમાં કરી રહ્યાં છે ઉગ્ર દેખાવો

હૈદ્રાબાદ તા. ૩૦: હૈદ્રાબાદમાં દિલ્હીના નિર્ભયાકાંડ જેવો હેવાનિયત ભર્યો બનાવ બનતા દેશભરના લોકો ઉકળી ઉઠયા છે. લોકોએ ઠેરઠેર દેખાવો કર્યા છે. તો રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ પીડિતાના ઘરે પહોંચી છે. તેઓએ આરોપીઓને આકરામાં આકરી સજાની માંગ કરી છે. આ ઘટનાથી સમગ્ર દેશ ફીટકાર વરસાવી રહ્યો છે. સોશ્યલ મીડિયાથી લઇને શેરીઓમાં લોકો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યાં છે.

હૈદ્રાબાદમાં કેટલાક લોકોએ એક યુવા મહિલા પશુ ચિકિત્સક (ર૭) ઉપર દુષ્કર્મ આચર્યું અને પછી તેને જીવતી સળગાવી દીધી હતી. તે પછી અર્ધબળેલી લાશને પુલથી નીચે ફેંકી દીધી હતી.

હૈદ્રાબાદની આ ઘટના બાદ ખળભળી ઉઠેલી દિલ્હીની એક બેટીએ સંસદની બહાર મહિલાઓની સુરક્ષાને લઇને પ્રદર્શન કર્યું હતું. જો કે પોલીસ તેને લઇ ગઇ હતી અને ૪ કલાક પોલીસ સ્ટેશનમાં રાખી હતી. તેને છોડી મુકાઇ છે.

જે રીતે નિર્ભયાને મદદનો ભરોસો આપી બસમાં બેસાડી હતી તે જ રીતે મદદની ઓફર કરી અહિં પણ માનવતાને લજવવામાં આવી હતી. પોલીસે ૪ આરોપીઓની ધરપકડ કરી છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઘટના પર દુઃખ વ્યકત કર્યું છે. રાહુલે કહ્યું કે, ''મહિલા ડોકટર સાથે બળાત્કાર અને તેની હત્યાના જઘન્ય ઘટનાથી હું સ્તબ્ધ છું. કોઇ વ્યકિત કોઇ અન્ય વ્યકિત સાથે આ પ્રકારની હિંસા કેવી રીતે કરી શકે. આ અકલ્પનીય છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના પીડિતાના પરિવાર સાથે છે.'' બીજી તરફ આ બનાવ બાદ આખા દેશમાં હંગામો મચ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર પીડિત ડોકટરના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરવાની સાથે સાથે આ ઘટનાની ઘોર નિંદા કરી રહ્યા છે. સાથે જ આવા બનાવો અટકે તે માટે સરકાર કઠોર પગલા ભરે તેવી પણ માંગણી કરી રહ્યા છે.

(3:56 pm IST)