Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ગોવામાં સરકાર રચવા મામલે કોંગ્રેસે કહ્યું અમે વિરોધ પક્ષમાં જ સારા છીએ

ગોવામાં ચમત્કાર સર્જી સરકાર સ્થાપવા બાબતે શિવસેનાના દાવાથી કોંગ્રેસે પોતાને અળગી કરી લીધી

મુંબઈ : શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકારની રચના કર્યા બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે  હજુ તો અમે આરંભ કર્યો છે, તમે જો જો. ચાર-આઠ દિવસ પછી ગોવામાં ચમત્કાર જોવા મળશે. અમે ત્યાં અમારી સરકાર સ્થાપીશું એવા શિવસેનાના દાવાથી કોંગ્રેસે પોતાને અળગી કરી લીધી હતી

 ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે સોગન લીધા એના ચોવીસ કલાક પછી ગર્જના કરતાં પક્ષના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે 2017માં ભાજપને ગોવામાં બહુમતી મળી નહોતી છતાં કોંગ્રેસના દસ સભ્યોને ફોડીને પોતાની સરકાર બનાવી હતી. હવે અમે ગોવામાં અમારી સરકાર બનાવીશું. એકવાર એ બની જાય ત્યાર પછી આખા દેશમાં બિનભાજપી મોરચો ખડો કરીશું.

રાઉતના આ દાવાના ચોવીસ કલાકમાં કોંગ્રેસે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે આ અભિપ્રાય રાઉતનો અંગત છે. અમે વિરોધ પક્ષમાં જ સારા છીએ.

ગોવા કોંગ્રેસના અધ્યક્ષ ગિરીશ ચોડનકરે કહ્યું કે અમને ધારાસભ્યોના ખરીદવેચાણમાં કોઇ રસ નથી. અમે ગોવા વિધાનસભામાં વિરોધ પક્ષમાં છીએ એ પૂરતું છે. અમારે હાલની સરકારને ઊથલાવવી નથી.

(12:35 pm IST)