Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

યે તો હોના હી થા

મહારાષ્ટ્રમાં ડખ્ખો શરૃઃ કોંગ્રેસે નાયબ મુખ્યમંત્રી પદ માટે ધોકો પછાડયો

NCP-કોંગ્રેસ વચ્ચે આ પદ માટે ખેંચતાણ

નવી દિલ્હી તા. ૩૦ :... મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ છ પ્રધાનો સાથે શપથ લઇને ગઠબંધન સરકારની રચના  કરી લીધી છે પણ પડદા પાછળ હજુ પણ ખેંચતાણ ચાલુ જ છે. હવે આ ખેંચતાણ શિવસેનાની આગેવાની વાળી સરકારમાં ભાગીદારી બાબતે છે. એનસીપી વિધાનસભા અધ્યક્ષના પદ માટે દાવેદારી કરી રહી છે, તો કોંગ્રેસ નાયબ મુખ્યપ્રધાન પદની માંગણી કરી રહી છે.

મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેની આગેવાની વાળી સરકારમાં શિવસેના એનસીપી અને કોંગ્રેસના બે-બે પ્રધાનો છે. શરૂઆતના તબકકામાં એવું નકકી થયું હતું કે નાયબ મુખ્ય પ્રધાન પદ એનસીપીને અને વિધાનસભા અધ્યક્ષ પદ કોંગ્રેસને મળશે. આ ઉપરાંત સરકારમાં શિવસેના-એનસીપીના ૧પ-૧પ અને કોંગ્રેસના ૧૩ પ્રધાનો રહેશે. પણ કોંગ્રેસ આના માટે સંમત નથી. કોંગ્રેસ ગઠબંધન સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન પદ ઇચ્છે છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના એક સીનીયર નેતાએ કહયું કે મુશ્કેલીના સમયે વિધાન સભા અધ્યક્ષનું પદ બહુ જ મહત્વપૂર્ણ હોય છે. પણ અત્યારની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન પદ હોવું એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. કેમ કે નાયબ મુખ્ય પ્રધાન હોય તો સરકારના દરેક નિર્ણયમાં કોંગ્રેસની ભૂમિકા રહેશે. આથી પક્ષની અંદર એવી ઘુસપૂસ થઇ રહી છે. કે વિધાનસભા અધ્યક્ષનું પદ તેના બદલે એનસીપીને આપી દેવાય.

પ્રદેશ  કોંગ્રેસના એક નેતાએ કહયું કે સરકારી જાહેરાતોમાં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન બન્નેનો ફોટો હોય છે. કોંગ્રેસનો નાયબ મુખ્ય પ્રધાન ન હોવાથી લોકોમાં એવો સંદેશ જાય કે આ ફકત શિવસેના અને એનસીપીની સરકાર છે. સરકારમાં હાજરી નોંધાવવા માટે નાયબ  મુખ્યપ્રધાન પદ મહત્વનું જયારે, વિધાનસભા અધ્યક્ષ પદ છોડવા સામે કોંગ્રેસ એક કેબીનેટ પ્રધાન પદ માંગી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે આ બધી બાબતો ર ગઠબંધનના સહયોગીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે અને એક બે દિવસમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે. પક્ષના નેતાઓએ આશા દર્શાવી છે કે શિવસેના અને એનસીપી બન્ને કોંગ્રેસને નાયબ મુખ્ય પ્રધાનપદ આપવા માની જશે. કેમ કે કોંગ્રેસ ગઠબંધનનું ઘણું મહત્વનું ઘટક છે.

(11:37 am IST)