Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

અઝરુદ્દ્દીન બાદ હવે ‘ભારત જોડો યાત્રા’માં જોડાઈ એક્ટ્રેસ પૂનમ કૌર:રાહુલ ગાંધીનો હાથ પકડીને યાત્રામાં જોવા મળી

---પૂનમ કૌરને 2017માં આંધ્રપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા સ્ટેટ હેન્ડલૂમ માટે એક એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી હતી :ત્યાર બાદ ભાજપના નેતાઓ સાથે પણ જોવાઈ હતી

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા તેલંગાણામાં છે. આ દરમિયાન રાહુલની યાત્રામાં એક્ટ્રેસ પૂનમ કૌરે પણ ભાગ લીધો હતો અને તે રાહુલનો હાથ પકડીને જોવા મળી હતી. એક્ટ્રેસને રાહુલ ગાંધી સાથે જોઈને બધા ચોંકી ગયા હતા. તેમને તેલંગાણાના મહબૂબનગરના ધર્મપુરમાં કોંગ્રેસની પદયાત્રામાં ભાગ લીધો હતો. આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીન પણ રાહુલ ગાંધી સાથે યાત્રામાં જોવા મળ્યા હતા. અઝહરુદ્દીને રાજ્યના નારાયણપેટ જિલ્લામાં યાત્રામાં ભાગ લીધો હતો.

તેલંગાણામાં ભારત જોડો યાત્રાનો આજે ચોથો દિવસ છે, જ્યારે એક્ટ્રેસે પૂનમ કૌરે હાજરી આપી હતી. પૂનમ કૌર આ પહેલા તેલુગુ દેશમ પાર્ટી માટે કામ કરી ચૂકી છે. પૂનમને 2017માં આંધ્રપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા સ્ટેટ હેન્ડલૂમ માટે એક એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. ત્યારબાદમાં તેઓ ભાજપના નેતાઓ સાથે પણ જોવા મળ્યા હતા. હવે એક્ટ્રેસે રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં ચાલીને બધાને ચોંકાવી દીધા છે.

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ એક્ટ્રેસ પૂનમ કૌર રાહુલ ગાંધીને હેન્ડલૂમ કામદારોની સમસ્યાઓ કહેવા પહોંચી હતી. એકવાર સત્તામાં આવ્યા પછી, કોંગ્રેસના નેતાએ હેન્ડલૂમ ઉત્પાદનો પર જીએસટી નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો પ્રારંભ શનિવારે ચાર દિવસના દિવાળીના બ્રેક બાદ ધર્મપુરથી થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસના સૂત્રોએ કહ્યું છે કે આજે રાહુલ ગાંધી 20 કિલોમીટરનું અંતર કાપશે. આ દરમિયાન ઓસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ યાત્રામાં ભાગ લીધો હતો.

રાહુલ ગાંધીએ શુક્રવારે 23 કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને રાત્રિના સમયે મહબૂબનગરના ધર્મપુરમાં રોકાયા હતા. આ યાત્રા 7 નવેમ્બરે મહારાષ્ટ્રમાં પ્રવેશતા પહેલા રાજ્યમાં કુલ 375 કિલોમીટરના અંતરમાં ફેલાયેલી 19 વિધાનસભા અને 7 સંસદીય મતવિસ્તારોને કવર કરશે. આ દરમિયાન 4 નવેમ્બરે એક દિવસનો વિરામ પણ લેવામાં આવશે. વાયનાડના સાંસદ દક્ષિણ રાજ્યમાં પાર્ટીના પ્રચાર દરમિયાન બૌદ્ધિકો, વિવિધ સમુદાયોના નેતાઓને મળશે, જેમાં રમતગમત, વ્યવસાય અને મનોરંજનની હસ્તીઓનો સમાવેશ થાય છે.

(8:55 pm IST)