Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

કોઈમ્બતુરના સંગમેશ્વર મંદિરને ઊડાડી દેવાની યોજના હતી

કોઈમ્બતુરમાં કાર બ્લાસ્ટમાં એનઆઈએનો ખુલાસો : મરનાર મુબીન એન્જિનિયર હતો, તેને બોમ્બ હેન્ડલ કરવાનો અનુભવ ન હોવાથી બ્લાસ્ટથી મંદિરને નુકસાન થયું નહોતું

કોઈમ્બતુર, તા.૨૯ : તમિલનાડુના કોઈમ્બતુરમાં તાજેતરમાં એક કાર બ્લાસ્ટમાં એક વ્યકિતનુ મોત થયુ હતુ. હવે આ કેસમાં એનઆઈએ દ્વારા એવો સનસનીખેજ ખુલાસો કરવામાં આવ્યો છે કે, દિવાળીના એક દિવસ પહેલા કોઈમ્બતુરના સંગમેશ્વર મંદિરને ઉડાવી દેવાની યોજના હતી પણ આ કાવતરુ નિષ્ફળ ગયુ હતુ.

ઉલ્લેખનીય છે કે, સવારે ચાર વાગ્યે મંદિર પાસે કાર આવીને ઉભી રહી હતી અને અચાનક જ કારમાં બ્લાસ્ટ થયો હતો.કારમાં  બેઠેલો વ્યક્તિ ઉછળીને બહાર પડ્યો હતો. ગંભીર રીતે દાઝેલા આ વ્યક્તિનુ મોત થયુ હતુ. એનઆઈએના અધિકારીઓએ દાવો કર્યો છે કે, મરનાર વ્યક્તિ ૨૯ વર્ષનો મુબીન નામનો યુવક હતો અને તે એન્જિનિયર હતો. તેને બોમ્બ હેન્ડલ કરવાનો અનુભવ નહી હોવાથી બ્લાસ્ટના કારણે મંદિરને નુકસાન થયુ નહોતુ.

એજન્સીનુ કહેવુ છે કે, કારમાં બે ગેસ સિલિન્ડર હતા. તેમાંથી એકમાં બ્લાસ્ટ થયો હતો.જો બીજો સિલિન્ડર પણ ફાટયો હોત તો નુકસાન મોટુ થયુ હોત. સ્થળ પરથી વિસ્ફોટક સામગ્રી તેમજ ખીલીઓ અને છરા પણ મળ્યા હતા. સંભવતઃ તેનો ઉપયોગ બ્લાસ્ટ માટે કરવાનો હતો.

સૂત્રોના કહેવા અનુસાર ઈસ્લામિક સ્ટેટ સંગઠનની વિચારધારાના કારણે મુબિન કટ્ટરવાદી બની ગયો હતો.જોકે યોગ્ય ટ્રેનિંગના અભાવે તે વિસ્ફોટકોને સંભાળી શક્યો નહોતો.

કાર બ્લાસ્ટના કેસમાં પોલીસ અને એનઆઈએ દ્વારા અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો ઈસ્લામિક સ્ટેટ સાથે સહાનુભૂતિ ધાવે છે. મુબીનની યોજના મંદિર અને આસપાસના ૫૦ મકાનોને નુકસાન પહોંચાડવાની હતી.

મુબીન અને તેના સાથીદારોએ બે એલપીજી સિલિન્ડરની સાથે સાથે કારમાં પોટેશિયમ નાઈટ્રેટ, એલ્યુમિનિયમ પાઉડર, સલ્ફર , ચારકોલ તેમજ ખીલી અને છરાથી ભરેલા ત્રણ ડ્રમ રાખ્યા હતા.સીસીટીવી ફૂટેજમાં તેના પૂરાવા પણ મળ્યા છે.

(7:50 pm IST)