Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

દિલ્‍હી-બેંગલુરૂ ફલાઇટમાં આગ લાગતા દોડધામઃ ૧૭૭ મુસાફરો-૭ ચાલકદળના સભ્‍યો સલામત

નવી દિલ્‍હીઃ દિલ્‍હીથી બેંગલુરૂ માટે ઉડાન ભરી રહેલા એક વિમાનના એન્‍જિનમાં આગ લાગ્‍યા બાદ રોકી લેવામાં આવ્‍યુ હતુ. અધિકારીઓએ જણાવ્‍યુ કે ઇન્‍દિરા ગાંધી આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ પરથી ટેક-ઓફ દરમિયાન ઇન્‍ડિગોના વિમાનના એક એન્‍જિનમાં આગ જોવા મળી હતી. તે બાદ વિમાનને સુરક્ષિત રીતે રોકીને તેમાં સવાર ૧૭૭ મુસાફર અને સાત ચાલકદળના સભ્‍યોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્‍યા હતા.

એરપોર્ટના ડીસીપી તનુ શર્માએ જણાવ્‍યુ કે રાત્રે ૧૦.૦૮ વાગ્‍યે એરપોર્ટના કંટ્રોલ રૂમમાં સીઆઇએસએફને ફોન કરીને દિલ્‍હીથી બેંગલુરૂ જતી ફ્‌લાઇટ નંબર ૬ઇર૧૩૧ના એન્‍જિનમાં આગ લાગવાની જાણકારી આપવામાં આવી હતી. આ વિમાનમાં કુલ ૧૮૪ મુસાફર સવાર હતા, તેમણે જણાવ્‍યુ કે વિમાને રન વે પર દોડવાનું શરૂ કર્યુ હતુ, તમામે તેમાં આગના તણખા જોયા હતા. તે બાદ વિમાનને રોકીને તેમાં સવાર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્‍યા હતા.

વિમાનમાં સવાર એક મહિલા યાત્રીએ એન્‍જિનમાંથી નીકળતા તણખાનો વીડિયો શેર કર્યો હતો. જેની પર પ્રતિક્રિયા આપતા ઇન્‍ડિગોએ કહ્યુ કે તે મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માંગે છે. ટેક-ઓફ રોલ દરમિયાન એન્‍જિનમાં ખરાબી આવી ગઇ હતી. બાદમાં ટેક ઓફને ટાળીને વિમાનને સુરક્ષિત સ્‍થળે લઇ જવામાં આવ્‍યુ હતુ. એરલાઇને કહ્યુ કે તમામ યાત્રીઓને બીજા વિમાનથી બેંગલુરૂ મોકલવામાં આવી રહ્યા છે.

આ ઘટના બાદ ઇન્‍ડિગોએ નિવેદન જાહેર કરીને કહ્યુ કે દિલ્‍હીથી બેંગલુરૂ જતા વિમાનમાં ટેકનિકલ ખામી આવી ગઇ છે, જે બાદ પાયલોટે ટેક-ઓફને ટાળી નાખ્‍યુ છે. મુસાફરોને થયેલી અસુવિધા માટે દુખી છીએ. સૂત્રોનું કહેવુ છે કે આ વિમાનની પાછળ સ્‍પાઇસજેટનું વિમાન ઉડાન માટે તૈયાર હતુ, જેના પાયલોટે ઇન્‍ડિગોના વિમાનમાં નીકળતા તણખાને જોઇને એર ટ્રાફિક કંટ્રોલરને તેની જાણકારી આપી હતી.

(1:59 pm IST)