Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

સંજય રાઉત સહિત વિપક્ષના ૧૫ નેતાઓની સુરક્ષા હટાવી

મહારાષ્‍ટ્રઃ શિંદે સરકારનો મોટો નિર્ણય

મુંબઈ,તા.૨૯: મહારાષ્ટ્રની શિંદે ફડણવીસ સરકારે મોટો નિર્ણય કર્યો છે. તેણે મહાવિકાસ અઘાડીના ૧૫ નેતાઓની સુરક્ષા હટાવી દીધી છે. શિંદે સરકાર દ્વારા નેતાઓની સુરક્ષા પાછી લીધા બાદ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. જો કે, મિલિંદ નાર્વેકરની સુરક્ષા વધારી દીધી છે. નાર્વેકરને પહેલા એક્‍સ શ્રેણીની સુરક્ષા મળતી હતી, હવે તેમને વાઈ પ્‍લસ સુરક્ષા આપવામાં આવી છે. આ ઉપરાંત જિતેન્‍દ્ર અવધની સુરક્ષા યથાવત રખાઈ છે. પાછલી સરકારમાં જિતેન્‍દ્ર અવધ મંત્રી હતા, પણ તેમને એમસીએ ચૂંટણીમાં આશીષ શેલારનું સમર્થન મળ્‍યું છે.

અહીં ઉલ્લેખનિય છે કે, મિલિંદ નાર્વેકર ઉદ્ધવ ઠાકરેના અત્‍યંત નજીકના માનવામાં આવે છે, પણ હાલના દિવસોમાં મિલિંદ નાર્વેકરે છેલ્લા કેટલાક દિવસોમાં ગૃહમંત્રી અમિત શાહના જન્‍મ દિવસ પર શુભકામના આપી હતી, આ અગાઉ તેમના દિકરા જય શાહને પણ શુભકામના આપી હતી, ત્‍યાર બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસના નજીકના ગિરીશ મહાજને નિવેદન આપ્‍યું હતું કે, એવું સાંભળવા મળ્‍યું છે કે, મિલિંદ નાર્વેકર શિવસેનાથી નારાજ ચાલી રહ્યા છે.

મહારાષ્ટ્ર સરકારના વરુણ સરદેસાઈ, છગન ભુજબળ, બાલાસાહેબ થોરાટ, નિતિન રાઉત, નાના પટોલે, જયંતિ પાટિલ, સતેજ પાટિલ, સંજય રાઉત, વિજય વડેટ્ટીવાર, ધનંજય મુંડે, ભાસ્‍કર જાદવ, નવાબ મલિક, નરહરિ જિરવાલ, સુનીલ કેદારે અને ડેલકર પરિવારની સુરક્ષા હટાવી દીધી છે.

સરકારના આ પ્રકારના નિર્ણય બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્‍યક્ષ નાના પટોલેએ કહ્યું કે, વિપક્ષી પાર્ટીના વ્‍યક્‍તિ હોય કે, આમ આદમી, તેમની સુરક્ષાની જવાબદારી સરકારની હોય છે. આ સરકારની જવાબદારી છે કે તે કોને સુરક્ષા આપે અને કોને નહી. બસ એ વાતનું ધ્‍યાન રાખે કે, કોઈ અપ્રિય ઘટના ન થાય. સરકારે અમારી સુરક્ષા ઘટાડી દીધી છે. અમારી પાસે તેનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી. જો સરકારને લાગે છે કે, અમે સુરક્ષા આપવાની જરુર નથી તો, અમને કોઈ સમસ્‍યા નથી.

(12:04 pm IST)