Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

અમેરિકાની અર્થવ્‍યવસ્‍થા પાટા પર : જો બિડેને રાહતનો શ્વાસ લીધો !

વર્ષના ત્રીજા કવાર્ટરમાં અમેરિકાના જીડીપીની ગતિ ૨.૬% રહી છે : વિશ્વના સૌથી શકિતશાળી દેશની અર્થવ્‍યવસ્‍થા છેલ્લા બે કવાર્ટરમાં પાટા પરથી ઉતરી ગઇ હતી

નવી દિલ્‍હી તા. ૨૯ : અમેરિકા માટે સારા સમાચાર આવ્‍યા છે. તાજેતરના ડેટા અનુસાર, વર્ષના ત્રીજા ક્‍વાર્ટરમાં યુએસ જીડીપીનો વિકાસ ૨.૬ ટકા રહ્યો છે. વિશ્વના સૌથી શક્‍તિશાળી દેશની અર્થવ્‍યવસ્‍થા છેલ્લા બે ક્‍વાર્ટરમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. જાન્‍યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં અને ત્‍યારપછી એપ્રિલથી જૂન સુધી યુએસ અર્થતંત્રનો વિકાસ દર નકારાત્‍મક રહ્યો હતો. નવા આંકડા બહાર આવ્‍યા બાદ જો બિડેન સરકારે રાહતનો શ્વાસ લીધો છે. સામાન્‍ય રીતે એવું માનવામાં આવે છે કે જયારે કોઈ દેશની અર્થવ્‍યવસ્‍થાનો વિકાસ દર (જીડીપી) સતત બે ક્‍વાર્ટર સુધી નકારાત્‍મક રહે છે, ત્‍યારે તે દેશ મંદીનો શિકાર બની ગયો છે.

ગુરૂવારે જાહેર કરાયેલા બ્‍યુરો ઓફ ઇકોનોમિક એનાલિસિસે જણાવ્‍યું હતું કે, ‘GDP ડેટા દર્શાવે છે કે નિકાસમાં વધારો થયો છે, ઉપભોક્‍તા ખર્ચમાં વધારો થયો છે, બિન-રહેણાંક નિヘતિ રોકાણમાં સુધારો થયો છે. ફેડરલ સરકાર અને રાજય સરકારની ગતિમાં વધારો થયો છે. રૂસો-યુક્રેન યુદ્ધના કારણે વિશ્વભરના દેશો હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આવી સ્‍થિતિમાં અમેરિકાના જીડીપીના આ તાજેતરના આંકડા ચોક્કસ રાહતનું કામ કરશે.

વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે જાન્‍યુઆરીથી માર્ચ દરમિયાન યુએસનો જીડીપી ગ્રોથ નકારાત્‍મક ૧.૬ ટકા હતો. જયારે યુએસ જીડીપી વર્ષના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન નકારાત્‍મક ૦.૬ ટકા હતો. ગુરુવારે જાહેર કરાયેલા તાજેતરના આંકડાઓમાં ફેરફાર શક્‍ય છે. સંપૂર્ણ ચોક્કસ આંકડો ૩૦ નવેમ્‍બર ૨૦૨૨ ના રોજ જાહેર કરવામાં આવશે.  અગાઉ જુલાઈમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું હતું કે દેશની અર્થવ્‍યવસ્‍થા સંપૂર્ણપણે મંદી તરફ જઈ રહી નથી.

બિડેને આ જુલાઈમાં બેરોજગારી અંગે ચિંતા વ્‍યક્‍ત કરી હતી. જો કે, તેમને વિશ્વાસ હતો કે પરિસ્‍થિતિમાં સુધારો થશે. તેમને કહેવામાં આવ્‍યું હતું કે, ‘મને નથી લાગતું કે આપણે મંદી તરફ આગળ વધી રહ્યા છીએ.' અમેરિકામાં છેલ્લા ૪૦ વર્ષમાં મોંઘવારી સર્વોચ્‍ચ સ્‍તરે પહોંચી ગઈ હતી. જેને અંકુશમાં લેવા માટે યુએસ ફેડએ વ્‍યાજદરમાં વધારો કર્યો હતો. જે બાદ ભારત સહિત અન્‍ય દેશોની સેન્‍ટ્રલ બેંકે પણ વ્‍યાજ દરમાં વધારો કર્યો છે.

(10:43 am IST)