Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

સાત મહિનાથી હોસ્‍પિટલમાં બેભાન મહિલાએ દીકરીને જન્‍મ આપ્‍યો

માર્ગ અકસ્‍માતમાં ઇજાગ્રસ્‍ત થયા પછી તેને ટ્રોમા સેન્‍ટરમાં લાવવામાં આવી હતી અને પછી અઢી મહિનામાં લગભગ પાંચ સર્જરી કરવામાં આવી હતી

નવી દિલ્‍હી તા. ૨૯ : બુલંદશહરમાં રહેતી એક ૨૩ વર્ષીય મહિલાએ દિલ્‍હીની AIIMS હોસ્‍પિટલમાં ગત સપ્તાહમાં એક સ્‍વસ્‍થ બાળકને જન્‍મ આપ્‍યો. દીકરીને જન્‍મ આપનારી આ માતાનો કેસ ખાસ એટલા માટે છે કારણકે તે પાછલા સાત મહિનાથી બેભાન અવસ્‍થામાં હતી. એક માર્ગ અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત થયા પછી મહિલાની ઘણી સર્જરી કરવી પડી હતી અને ત્‍યારપછીથી જ તે ભાનમાં નહોતી આવી.

ડોક્‍ટરોના જણાવ્‍યા અનુસાર, ૩૧મી માર્ચના રોજ મહિલા જયારે પોતાના પતિ સાથે ટુ-વ્‍હીલર પર જઈ રહી હતી ત્‍યારે તે માર્ગ અકસ્‍માતનો ભોગ બની હતી. નોંધનીય છે કે મહિલાએ તે સમયે હેલ્‍મેટ નહોતુ પહેર્યુ. મહિલાને માથાના ભાગે ઘણી ગંભીર ઈજા થઈ હતી. મહિલાનો જીવ તો બચી ગયો પરંતુ અકસ્‍માત થયો ત્‍યારથી તે બેભાન અવસ્‍થામાં છે. તે પોતાની આંખો તો ખોલે છે પરંતુ કોઈ કમાન્‍ડ પર પ્રતિક્રિયા નથી આપી શકતી.

ન્‍યૂરોસર્જન વિભાગના પ્રોફેસર દીપક ગુપ્તા જણાવે છે કે, વાહન ચલાવનારા તમામ લોકોને સલાહ આપવા માંગીશ કે હેલ્‍મેટ પહેરવાની આદત વિકસાવો. જો મહિલાએ હેલ્‍મેટ પહેર્યુ હોતું તો અત્‍યારે તેની સ્‍થિતિ અલગ હોતી. તે અત્‍યારે આ સ્‍થિતિમાં ના હોતી. મહિલાના પતિ એક ખાનગી ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો, પરંતુ પત્‍ની બેભાન અવસ્‍થામાં હોવાને કારણે તેની દેખરેખ રાખવા માટે તેણે નોકરી છોડવી પડી છે. તે જણાવે છે કે, મારી પાસે કહેવા માટે કંઈ નથી. મને સમજાતુ નથી કે શું કરવુ અને હવે જીવન કેવી રીતે આગળ વધશે. અમારી તો જાણે દુનિયા થોભી ગઈ છે.

પ્રોફેસર ગુપ્તાએ જણાવ્‍યું કે, મહિલાને જયારે AIIMS લાવવામાં આવી ત્‍યારે તે ૪૦ દિવસ ગર્ભવતી હતી. ગાયનેકોલોજીસ્‍ટની એક ટીમે તેની સ્‍થિતિની સમીક્ષા કરી તો જાણ્‍યું કે બાળક સંપૂર્ણપણે સ્‍વસ્‍થ છે. તબીબોએ ગર્ભપાતનો નિર્ણય દર્દીના પરિવારને સોંપ્‍યો હતો. ડોક્‍ટરે જણાવ્‍યું કે, ગર્ભપાત માટે કોર્ટ જવાના સ્‍થાને દર્દીના પતિએ બાળકને રાખવાનો નિર્ણય લીધો. AIIMSની ગાયનેકોલોજીસ્‍ટની ટીમ દ્વારા નોર્મલ ડિલિવરી કરવામાં આવી હતી. માતા અત્‍યારે પોતાની નવજાત દીકરીને સ્‍તનપાન કરાવવાની સ્‍થિતિમાં નથી, માટે તેને બોટલથી દૂધ આપવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દર્દીને જયારે ટ્રોમા સેન્‍ટર લાવવામાં આવી ત્‍યારે તે બેભાન હતી અને તરત વેન્‍ટિલેટર પર મૂકવામાં આવી હતી. બીજા દિવસે તેની સર્જરી કરવામાં આવી હતી અને તેના મગજના ડેમેજ થયેલા ભાગને નીકાળી દેવામાં આવ્‍યો હતો. ચાર અઠવાડિયા પછી બીજી સર્જરી કરવામાં આવી હતી. ૩૦ માર્ચથી લઈને ૧૫ જૂન સુધી દર્દીના પાંચ ન્‍યૂરોસર્જિકલ ઓપરેશન કરવામાં આવ્‍યા હતા.

(10:42 am IST)