Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

પતિને પુરાવા વિના વ્‍યભિચારી અને દારૂડિયો કહેવો ક્રૂરતા છે

બોમ્‍બે હાઇકોર્ટની કડક ટિપ્‍પણી

મુંબઈ તા. ૨૯ : બોમ્‍બે હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં સ્‍પષ્ટ કર્યું છે કે, જો કોઈ પત્‍ની કોઈ પુરાવા કે આધાર વિના પોતાના પતિને વ્‍યભિચારી કે દારૂડિયો કહે છે, તો તે પણ ક્રૂરતા જ મનાશે. હાઈકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન આ કડક ટિપ્‍પણી કરી છે. હાઈકોર્ટ દ્વારા કહેવાયું છે કે, જો પુરાવા વિના કોઈના પર આવા આરોપ લાગવાય છે, તો તે પણ માનસિક પીડા આપવા સમાન છે.

હકીકતમાં, ૫૦ વર્ષની એક મહિલાએ પુનેની ફેમિલી કોર્ટના વર્ષ ૨૦૦૫ના એ આદેશને પડકાર્યો હતો, જેમાં તેના લગ્નને ભંગ કરી દેવાયા હતા. ત્‍યારે પતિએ જ પોતાની પત્‍ની પર આરોપ લગાવ્‍યો હતો કે, તેની તરફથી ખોટા આરોપ લગાવાય છે અને પોતાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પતિ એક નિવૃત્ત સેના અધિકારી હતા, જેમનું સુનવાણી દરમિયાન મોત થઈ ગયું હતું. મહિલાએ ફેમિલી કોર્ટના ચુકાદાને બોમ્‍બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્‍યારે ભાર આપીને કહેવાયું હતું કે, મહિલાનો પતિ વુમનાઈઝર અને દારુડિયો હતો. એ કારણે જયારે તેનું મોત થઈ ગયું, તેને એ દરેક અધિકારથી વંચિત કરી દેવાઈ, જે તેને મળવા જોઈતા હતા.

પરંતુ, જજ નીતિન જામદાર અને જજ શર્મિલા દેશમુખની બેન્‍ચે મહિલાની એ અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, મહિલા દ્વારા માત્ર મૌખિક આરોપ લગાવાયા છે, પૂરતા પુરાવા રજૂ નથી કરાયા. એટલું જ નહીં, મહિલાની બહેને આજ સુધી એક વખત પણ એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે, મહિલાનો પતિ વુમનાઈઝર કે દારૂડિયો હતો. તો, જયારે આ મામલો ફેમિલી કોર્ટમાં હતો, ત્‍યારે પતિએ દાવો કર્યો હતો કે, તેની પત્‍ની તેને પોતાના બાળકોને મળવા દેતી નથી. પતિ દ્વારા એવો પણ આરોપ લગાવાયો હતો કે, પત્‍ની દ્વારા સમાજની સામે તેને લઈને ઘણા ખોટા દાવાઓ કરાયા હતા, જે કારણે તેમની સમાજમાં પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ ગઈ હતી. હવે એ બધી દલીલોને ધ્‍યાનમાં રાખીને બેન્‍ચે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, ક્રૂરતાનો સરળ અર્થ એ જ થાય છે કે, એક બીજ પક્ષને માનસિક પીડા થાય તેવું વર્તન કરવામાં આવે, તેનું તેના સાથી સાથે રહેવું શક્‍ય ન હોય.

(10:41 am IST)