Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

LICના શેરધારકોને મળી શકે છે બોનસ શેર્સ અને તગડું ડિવિડન્‍ડ

એલઆઇસી હવે તેના શેરના ભાવને રિવાઇવ કરવા વિચારે છે : કંપની પોતાના નેટવર્થ અને રોકાણકારોનો વિશ્વાસ વધારવા માટે મક્કમ છે

નવી દિલ્‍હી તા. ૨૯ : લાઈફ ઈન્‍સ્‍યોરન્‍સ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા (LIC)નો આઈપીઓ આવવાનો હતો ત્‍યારે તેની ઘણી ચર્ચાઓ ચાલી હતી. જોકે, લિસ્‍ટિંગ બાદ તેના શેર્સના ભાવમાં સતત ઘટાડો થતો રહ્યો છે. કમાણી કરતી સરકારી કંપની હોવા છતાં રોકાણકારોને આ આઈપીઓમાં રોવાનો વારો આવ્‍યો હતો. જોકે, હવે તેના રોકાણકારો માટે એક મોટા સમાચાર છે. દેશની સૌથી મોટી ઈન્‍સ્‍યોરન્‍સ કંપની પોતાની નેટવર્થ અને રોકાણકારોનો વિશ્વાસ વધારવા માટે મક્કમ છે. બે સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે એલઆઈસી પોલિસી ધારકોના ભંડોળમાંથી લગભગ ૨૨ બિલિયન ડોલરને ડિવિડન્‍ડ ચૂકવવા અથવા બોનસ શેર ઈશ્‍યૂ કરવા માટે નિર્ધારિત ભંડોળમાં સ્‍થાનાંતરિત કરવાની યોજના બનાવી રહી છે.

સરકારની માલિકીની ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીનું આ વર્ષે મે મહિનામાં ભારતીય સ્‍ટોક એક્‍સચેન્‍જ પર લિસ્‍ટિંગ થયું હતું, પરંતુ ત્‍યારથી અત્‍યાર સુધીમાં સ્‍ટોક્‍સમાં ૩૫ ટકાનું ધોવાણ થયું છે. રોકાણકારોના ૨.૩ ટ્રિલિયન રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્‍યું હતું કે, એલઆઈસી હવે તેના શેરના ભાવને રિવાઈવ કરવાના પગલાઓ પર વિચાર કરી રહી છે.

કંપની ૧.૮ ટ્રિલિયન ભારતીય રૂપિયા (૨૧.૮૩ બિલિયન ડોલર) તેના બિન-ભાગીદારી ભંડોળમાં પડેલા ૧૧.૫૭ ટ્રિલિયન રૂપિયાનો છઠ્ઠો ભાગ, તેના શેરધારકોના ભંડોળમાં ટ્રાન્‍સફર કરવાની યોજના ધરાવે છે, તેમ આ બાબતથી વાકેફ અધિકારીએ જણાવ્‍યું હતું. નોંધનીય છે કે એલઆઈસી મુખ્‍ય રીતે બે પ્રકારની પ્રોડક્‍ટ્‍સનું વેચાણ કરે છે. પ્રથમ છે ‘પાર્ટિસિપેટીંગ પોલીસીઓ' જયાં ગ્રાહકો સાથે નફાની વહેંચણી કરવામાં આવે છે. જયારે બીજી છે ‘નોન-પાર્ટિસિપેટિંગ' પોલિસીઓ જેમાં ચોક્કસ રિટર્ન આપવામાં આવે છે. એલઆઈસી તે પ્રીમિયમને પછીથી એકત્ર કરે છે તે બિન-ભાગીદારી ભંડોળમાં મૂકે છે.

બંને અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, તેમાંથી કેટલાકને શેરધારકોના ફંડમાં સ્‍થાનાંતરિત કરવું એ રોકાણકારોનો વિશ્વાસ વધારવાનો એક માર્ગ છે કારણ કે તે ભવિષ્‍યમાં ઊંચા ડિવિડન્‍ડ ચૂકવણીનું સૂચક હશે. બિન-ભાગીદારી ભંડોળમાં સરપ્‍લસ શેરધારકો માટે નિર્ધારિત કરવામાં આવે છે અને LICના બોર્ડની મંજૂરી સાથે શેરધારકોના ભંડોળમાં ટ્રાન્‍સફર કરી શકાય છે, જેની માંગ કરવાની બાકી છે. જો આ ટ્રાન્‍સફર થશે તો LICની નેટવર્થ તેના વર્તમાન મૂલ્‍ય આશરે ૧૦૫ અબજ રૂપિયા કરતાં લગભગ ૧૮ ગણી વધી જશે અને લ્‍ગ્‍ત્‍ લાઈફ અને HDFC લાઈફ સહિત વીમા કંપનીઓમાં નેટવર્થ ચાર્ટમાં ટોચનું સ્‍થાન મેળવશે, એમ બંને અધિકારીઓએ જણાવ્‍યું હતું.

જોકે, એલઆઈસી અને નાણા મંત્રાલય દ્વારા હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. એલઆઈસીના શેર્સનું લિસ્‍ટિંગ થયું હતું ત્‍યારે તેની કિંમત ૯૪૯ રૂપિયા પ્રતિ શેર હતી પરંતુ હાલમાં તે ૬૦૦ રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહ્યા છે. નવમાંથી સાત બ્રોકરેજ હાઉસ એલઆઈસીના સ્‍ટોક માટે બાય અથવા તો સ્‍ટ્રોંગ બાય રેટિંગ ધરાવે છે. જેના માટે ૮૪૦ રૂપિયાની ટાર્ગેટ પ્રાઈસ રાખવામાં આવી છે.

(10:41 am IST)