Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

ચલણી નોટ પર મહાત્‍મા ગાંધી સાથે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશનો ફોટો લગાડો

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીને પત્ર લખીને માંગણી કરી

નવી દિલ્‍હી, તા.૨૯: દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીને પત્ર લખીને ભારતીય ચલણી નોટ પર મહાત્‍મા ગાંધી સાથે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશનો ફોટો લગાવવાની માંગણી કરી છે. સીએમ કેજરીવાલે ટ્‍વીટ કરીને આ વાતની જાણકારી આપી અને કહ્યું કે પીએમ મોદીને પત્ર લખીને તેમણે ભારતીય કરન્‍સી પર મહાત્‍મા ગાંધીજીની સાથે સાથે લક્ષ્મી ગણેશજીની તસવીર  લગાવવાની માંગણી કરી છે. આ અગાઉ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્‍ફરન્‍સ કરીને નોટ પર લક્ષ્મી ગણેશના ફોટાની માંગણી કરી હતી.
સીએમ અરવિંદ કેજરીવાલે પત્રમાં લખ્‍યું છે કે આદરણીય પ્રધાનમંત્રીજી, દેશના ૧૩૦ કરોડ લોકોની ઈચ્‍છા છે કે ભારતીય કરન્‍સી પર એકબાજુ ગાંધીજીની અને બીજી બાજુ શ્રી ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર હોવી જોઈએ. આજે દેશની અર્થવ્‍યવસ્‍થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ ભારત વિકાસશીલ અને ગરીબ દેશોમાં ગણાય છે. આપણા દેશમાં આજે પણ આટલા લોકો ગરીબ છે, કેમ? તેમણે વધુમાં કહ્યું કે ‘એક બાજુ આપણે બધા દેશવાસીઓએ આકરી મહેનત કરવાની જરૂર છે તો બીજી બાજુ આપણને ભગવાનના આશીર્વાદ પણ જોઈએ જેથી કરીને પ્રયત્‍નો સફળ થાય. યોગ્‍ય નીતિ, આકરી મહેનત, અને પ્રભુના આશીર્વાદ તેમના સંગમથી જ દેશ પ્રગતિ કરશે.
મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પત્રમાં વધુમાં લખ્‍યું કે કાલે એક પ્રેસ વાર્તા કરીને મે જાહેર રીતે તેની માંગણી કરી. ત્‍યારથી સામાન્‍ય લોકોનું આ મુદ્દે જબરદસ્‍ત સમર્થન મળ્‍યું છે. લોકોમાં તેને લઈને ખુબ ઉત્‍સાહ છે. બધા લોકો ઈચ્‍છે છે કે તેને તરત લાગૂ કરવામાં આવે.
અત્રે જણાવવાનું કે દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે પત્રકાર પરિષદ કરીને નોટો પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાની માંગણી કરી હતી. કેજરીવાલે નોટો પર ગાંધીજીની સાથે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીનો ફોટો લગાવવાની માંગણી કરી. કેજરીવાલે કહ્યું કે જો એક બાજુ ગાંધીજીની તસવીર હશે અને બીજી બાજુ લક્ષ્મી ગણેશની તસવીર રહેશે તો તેનાથી સમગ્ર દેશને આશીર્વાદ મળશે. તેમણે કહ્યું કે લક્ષ્મીજીને સમૃદ્ધિના દેવી ગણવામાં આવે છે અને ગણેશજી તમામ પરેશાનીઓ દૂર કરે છે. આથી તેમની તસવીર નોટ પર મૂકાવવી જોઈએ.

 

(10:32 am IST)