Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

લોટ અને દાળ બાદ હવે શાકભાજી પણ થશે મોંઘાઃ બગડશે ઘરનું બજેટ

કૃષિ મંત્રાલયે ટમેટાના ઉત્‍પાદનમાં ૪ ટકાનો અને બટેટાના ઉત્‍પાદનમાં પ ટકાનો ઘટાડો થવાનો અંદાજ મૂક્‍યો

નવી દિલ્‍હી, તા.૨૯: આ વર્ષે મોંઘવારીના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રસોડાની તમામ મહત્ત્વની વસ્‍તુઓના ભાવ આસમાને છે. ડુંગળી, ટામેટાના ભાવ પણ રેકોર્ડ સ્‍તરે પહોંચી ગયા છે. હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી ખેડૂતોની સાથેસાથે દેશના લોકોને પણ પરેશાની થશે. એવી આશંકા છે કે ટામેટાના ઉત્‍પાદનમાં ૪ ટકા અને બટાકાના ઉત્‍પાદનમાં ૫ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે મોંઘવારી વધી શકે છે.
શાકભાજીની વાત કરીએ તો બટેટા, ટામેટાં અને ડુંગળી રસોડાની સૌથી મોટી જરૂરિયાત માનવામાં આવે છે. તેની કિંમતોમાં થોડો ફેરફાર થતાં જ દરેક વ્‍યક્‍તિનું રસોડું બજેટ ખોરવાય જાય છે. અત્‍યારે જે પ્રકારની સ્‍થિતિ સર્જાઈ રહી છે, તે જોઈને લાગે છે કે આ ઉત્‍પાદનો ખરીદવા માટે જનતાએ ખિસ્‍સું વધુ ઢીલું કરવું પડશે.
કૃષિ મંત્રાલયે ટમેટાના ઉત્‍પાદનમાં ૪ ટકાનો ઘટાડો થવાનો અંદાજ મૂક્‍યો છે. કૃષિ મંત્રાલયના જણાવ્‍યા અનુસાર આ વર્ષે ટામેટાંનું ઉત્‍પાદન ૨૩.૩૩ મિલિયન ટન થઈ શકે છે, જયારે ગયા વર્ષે ટામેટાંનું કુલ ઉત્‍પાદન ૨૧.૧૮ મિલિયન ટન હતું. બાગાયતી પાકોના ઉત્‍પાદન અંગે કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી આગાહી બાદ આ અંદાજ બહાર આવ્‍યો છે.
ટામેટાંની મોંઘવારીથી લોકો પહેલેથી જ પરેશાન છે. આ વખતે દિવાળીના ૩-૪ દિવસ પહેલાં ટામેટાંના ભાવ વધવા લાગ્‍યા હતા. હાલમાં તેની કિંમત ૮૦ રૂપિયા પ્રતિ કિલોની ઉપર પહોંચી ગઈ છે. તહેવારો ઉપરાંત ઓક્‍ટોબરની શરૂઆતમાં વરસાદના કારણે ટામેટાના પાકને નુકસાન થયું હતું. આ દરમિયાન સપ્‍લાયમાં ઘટાડો થયો હતો, જેના કારણે કિંમતોમાં વધારો થયો હતો.
કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર, ૨૦૨૧-૨૨માં બટેટાનું ઉત્‍પાદન ૫ ટકા ઘટીને ૫૩.૩૩.૯ મિલિયન ટન રહેવાનો અંદાજ છે, જયારે ગયા વર્ષે તેનું ઉત્‍પાદન ૫ કરોડ ૬૧.૭ લાખ ટન હતું.
આ વખતે ડુંગળીના ઉત્‍પાદનમાં જંગી વધારો થયો છે. આ વર્ષે ડુંગળીનું ઉત્‍પાદન ૩૦.૧૨ મિલિયન ટન થવાનો અંદાજ છે, જયારે ગયા વર્ષે ઉત્‍પાદન ૨૬.૬૪ મિલિયન ટન હતું.
કૃષિ મંત્રાલયે ફળો અને શાકભાજીના ઉત્‍પાદન અંગે પણ અંદાજ વ્‍યક્‍ત કર્યો છે. આ વર્ષે દેશમાં શાકભાજીનું ઉત્‍પાદન ૨૦૦.૪૮ મિલિયન ટન થવાનો અંદાજ છે. આ આંકડો ગયા વર્ષના ૨૦૦ મિલિયન ૪.૫ લાખ ટન કરતાં વધુ હશે. જો ફળોના ઉત્‍પાદનની વાત કરીએ તો આ વર્ષે ૧૦૦ મિલિયન ૭૨.૪ લાખ ટન ફળોનું ઉત્‍પાદન થવાનો અંદાજ છે, જયારે ગયા વર્ષે ૧૦૦ મિલિયન ૨૪૮ લાખ ટન ફળોનું ઉત્‍પાદન થયું હતું.

 

(10:30 am IST)