Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

સપા નેતા આઝમ ખાન હવે યુપીના ધારાસભ્ય નથી :ગેરલાયક ઠેરવાયા

હેટ સ્પીચ કેસમાં દોષિત જાહેર કર્યા બાદ તેમની વિધાનસભાની સદસ્યતા રદ કરાઈ

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં દોષિત જાહેર કર્યા બાદ તેમની વિધાનસભાની સદસ્યતા રદ કરવામાં આવી છે. તેને નફરત ફેલાવવાના કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યો છે. સપા નેતા આઝમ ખાનને ઉત્તર પ્રદેશના ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. યુપી વિધાનસભાના સ્પીકરે આઝમ ખાનની સીટ ખાલી જાહેર કરી હતી. આઝમ ખાન રામપુર વિધાનસભા સીટથી ધારાસભ્ય હતા.

ઉત્તર પ્રદેશ વિધાનસભાના સૂત્રોએ જણાવ્યું કે દોષિત ઠેરવ્યા બાદ આઝમ ખાન આપોઆપ ગેરલાયક ઠર્યા છે. વિધાનસભાના અધ્યક્ષે આજે તેમની બેઠક ખાલી જાહેર કરી હતી.

એસેમ્બલી સેક્રેટરીનું કહેવું છે કે ગઈ કાલે તેમને દોષિત ઠેરવ્યા બાદ તેમની લાયકાતા આપોઆપ સમાપ્ત થઈ ગઈ હતી. એટલે કે કાયદા અનુસાર તેઓ ધારાસભ્ય પદ પર ચાલુ રહી શકે નહીં. સ્પીકરે જાહેરાત કરી છે કે રામપુર સીટ આજે ખાલી થશે.

ઉત્તર પ્રદેશની રામપુર કોર્ટે ગુરુવારે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે તેને 25 હજાર રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. આ પહેલા કોર્ટે તેને નફરતી ભાષણ માટે દોષિત ઠેરવ્યા હતો. દોષી સાબિત થયા બાદ જ તેમને કોર્ટ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. વર્ષ 2019માં ચૂંટણી દરમિયાન આઝમ ખાને તહસીલ મિલકમાં ભાષણ આપ્યું હતું, જેના સંદર્ભમાં ગઈકાલે કોર્ટનો નિર્ણય આવ્યો હતો.

7 એપ્રિલ 2019ના રોજ રામપુરની સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના સંયુક્ત ઉમેદવાર મોહમ્મદ આઝમ ખાને તેમની ચૂંટણી સભામાં ભાષણ આપતી વખતે રામપુરમાં તૈનાત અનેક વહીવટી અધિકારીઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમના ભાષણની નોંધ લેતા ચૂંટણી પંચે કાર્યવાહી કરી અને ચૂંટણી પંચની વીડિયો ટીમના પ્રભારી દ્વારા FIR દાખલ કરવામાં આવી. આ મામલે ગુરુવારે નિર્ણય આવ્યો. આઝમ ખાન વિરુદ્ધ ભડકાઉ ભાષણો અને નફરત ફેલાવવા જેવા ગંભીર બાબતોને લઇને કેસ નોંધવામાં આવ્યો હતો.

(9:16 pm IST)