Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

ત્રણ દિવસમાં દિલ્હી અને એનસીઆરમાં હવાની ગુણવતા “ખૂબ જ ખરાબ” રહેવાની સંભાવના: હેલ્થ એડવાઇઝરી જારી

આવનારા દિવસોમાં હવાની ગુણવતા વધુ ખરાબ સ્તરે પહોંચવાની ધારણા

નવી દિલ્હી :દિલ્હી-એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસોથી હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે. આવનારા દિવસોમાં તે વધુ ખરાબ સ્તરે પહોંચવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસમાં દિલ્હી અને એનસીઆરના મોટાભાગના શહેરોમાં હવાની ગુણવત્તા “ખૂબ જ ખરાબ” રહેવાની સંભાવના છે. તેથી, આ અંગે હેલ્થ એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે.

દિલ્હીના આનંદ વિહારમાં સાંજે 4 વાગ્યે હવાની ગુણવત્તા (AQI) 455 હતી, જે તેને અહીંના સૌથી પ્રદૂષિત વિસ્તારોમાંથી એક બનાવે છે. સાંજે 5 વાગ્યે સમગ્ર દિલ્હીનો AQI 357 હતો. તે જ સમયે ગાઝિયાબાદમાં AQI 384, નોઈડામાં AQI 371, ગ્રેટર નોઈડામાં AQI 364 અને ફરીદાબાદમાં AQI 346 હતું. પંજાબથી ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી માત્ર દિલ્હી જ નહીં, 34 ભારતીય શહેરોમાં હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં છે.

શૂન્ય અને 50 ની વચ્ચેનો AQI ‘સારું’, 51 અને 100 ‘સંતોષકારક’, 101 અને 200 ‘મધ્યમ’, 201 અને 300 ‘ખરાબ’, 301 અને 400 ‘ખુબ ખરાબ’ અને 401 અને 500 ‘ગંભીર’ માનવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે હવાની ગુણવત્તામાં ઘટાડો પવનની દિશા અને પવનની ગતિને કારણે છે, જેમાં ખેતરોમાં પરાલી (પાક લીધા પછી વધેલો બિન જરૂરી કચરોખે) સળગાવવાની ઘટનાઓ સાથે પ્રદૂષણમાં વધારો થયો છે.

23 ઓક્ટોબરની રાત્રે તાપમાનમાં ઘટાડો અને પવનની ગતિ તેમજ ફટાકડા ફોડવા અને ખેતરોમાં પરાલી સળગાવવાને કારણે પ્રદૂષણનું સ્તર વધ્યું હતું. જો કે, આ વખતે દિવાળીની આસપાસ પ્રદૂષણ 7 વર્ષમાં સૌથી ઓછું હતું કારણ કે હવામાનની સ્થિતિ ગેમ ચેન્જર સાબિત થઈ હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં 24 ઓક્ટોબરથી હવાની ગુણવત્તા બગડવાની શરૂઆત થઈ હતી. દિવાળી પછી AQI ‘ખરાબ’થી ખૂબ જ ખરાબ’ કેટેગરીમાં આવી ગયો છે.

(9:15 pm IST)