Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

વાહ... રાજકોટ... કોરોનાને ૮૦ ટકા લોકોએ હરાવ્યોઃ આજે નવા ૪૨ કેસ

કુલ કેસનો આંક ૫૯૨૦ થયો : આજ દિવસ સુધીમાં ૪૭૨૦ દર્દીઓ ડિસ્ચાર્જ થયા

રાજકોટ,તા.૨૮: સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જાય છે ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે  આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં  ૪૨ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૫૯૨૦  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૪૭૨૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૦.૨૯ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૪૨૬૮ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૧૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૬૦ ટકા થયો  હતો. જયારે ૧૧૦ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૨,૦૭,૯૦૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૫૯૨૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૨  ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલે સોપાન હાઇટ, ઓસ્કાર સિટી - સાધુવાસવાણી રોડ, સોમનાથ સોસાયટી- કીડવાઇનગર, સાનિધ્ય ગ્રીન એપાર્ટમેન્ટ - નાનામૌવા રોડ, સૂર્યોદય સોસાયટી - કાલાવડ રોડ, સાકેત પાર્ક- ૧૫૦ ફુટ રીંગ રોડ, પ્રગતિ સોસાયટી, અમૃતધારા એપાર્ટમેન્ટ- માસ્તર સોસાયટી, મારૂતિનગર - બિગબાઝાર પાસે, શાંતિનગર   સહિતના વિસ્તારોમાં ૯૮ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૨૧ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૬ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૨૧,૪૩૨ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૬ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે સુખસાગર, ખોડિયાર પરા, ગંગોત્રી પાર્ક, અવધપાર્ક, રૂષિકેશપાર્ક, કોપરગ્રીન સીટી, સરદાર સોસા યટી, શિવધારા રેસી., આર્યનગર,  સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૬૫૯ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:52 pm IST)