Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ગેંગસ્ટરને મુંબઈથી લખનૌ લઈ જઈ રહી હતી યુપી પોલીસ: કાર પલટી જતા ગેંગસ્ટરનું મોત

ગેંગસ્ટર ફિરોઝને લઈ જતી પોલીસની કાર મધ્ય પ્રદેશના ગુનામાં પલટી મારી ગઈ.

લખનૌના ઠાકોરગંજ પોલીસ સ્ટેશનથી ગેંગસ્ટરના રૂપમાં ફરાર ચાલી રહેલા અપરાધી ફિરોઝ ઉર્ફે શમીની મુંબઈથી ધરપકડ કરીને ઉત્તર પ્રદેશ પોલીસ લઈ જઈ રહી હતી. ગેંગસ્ટર ફિરોઝને લઈ જતી પોલીસની કાર મધ્ય પ્રદેશના ગુનામાં પલટી મારી ગઈ. આ અકસ્માતમાં ગેંગસ્ટર ફિરોઝનું મોત થઈ ગયું. જ્યારે રિંગરોડ પોલીસ સ્ટેશનના પ્રભારી જગદીશ પાંડે, પોલીસકર્મી સહિત 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. પોલીસ કમિશનરે ગેંગસ્ટર અને ઈજાગ્રસ્ત પરિવારો સાથે પોલીસની એક ટીમ ગુના મોકલી આપી છે. પોલીસ કમિશનર સુજિત પાંડેના જણાવ્યા અનુસાર, બહરાઈચના રહેવાસી, ફિરોઝ ઉર્ફે શમી વિરુદ્ધ ઠાકુરગંજ પોલીસ સ્ટેશનમાં 6 કેસ દાખલ હતા. તેમાં 3 કેસ લુંટના, 2 કેસ ચોરી અને એક કેસ ગેંગસ્ટર એક્ટનો હતો.

વર્ષ 2014થી તે ફરાર હતો. ત્યારબાદ જ તેના પર ગેંગસ્ટરનું લેબલ લાગ્યું હતું. ત્રણ દિવસ પહેલા તે મુંબઈમાં હોવાની ખબર મળ્યા બાદ ઠાકુરગંજ પોલીસ સ્ટેશનની રિંગરોડ પોલીસ સ્ટેશનના પ્રભારી જગદીશ પાંડે, પોલીસકર્મી સંજીવ સિંહ, ખબરી અને ડ્રાઈવર સાથે બાય રોડ 25 સપ્ટેમ્બરે મુંબઈ ગયા હતા. શનિવારે રાતે આ ટીમે મુંબઈ પોલીસની મદદથી ફિરોઝની ધરપકડ કરી લીધી. કોર્ટમાંથી ફિરોઝના બિનજામીનપાત્ર વોરંટ જાહેર થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે 3 વાગ્યે તેને લઈને પોલીસ ટીમ લખનૌ માટે નીકળી હતી. લગભગ 7 વાગ્યે ગુનામાં ચચોડા વિસ્તાર પાસે કાર સામે અચાનક નીલ ગાય આવી ગઈ. તેને બચાવવાના પ્રયાસમાં ગાડીનો ડ્રાઈવર સ્ટિયરિંગનું કાબૂ ગુમાવી બેઠો અને કાર અનિયંત્રિત થઈને પલટી ગઈ.

આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ગેંગસ્ટર ફિરોઝને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. જ્યારે જગદીશ, પોલીસકર્મી, ખબરી અને ડ્રાઈવરની સારવાર ચાલી રહી છે. કાર પલટી જવાથી ગેંગસ્ટરનું મોત અને પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થવાની જાણકારી મળતા જ આ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. પોલીસ કમિશનરે ગુનાના SP પાસે આખી જાણકારી લીધી હતી અને પછી ઈજાગ્રસ્તોની મદદ કરવા કહ્યું હતું. એટલું જ નહીં પોલીસ કમિશનર સુજિત પાંડેએ ઈજાગ્રસ્ત પરિવારના લોકો સાથે વાતચીત કરી. પછી એક ટીમને આર્થિક મદદ સાથે ગુના માટે રવાના કરી દીધી હતી. આ ટીમ સાથે ગેંગસ્ટર ફિરોઝના પરિવારજનોને પણ મોકલવામાં આવ્યા છે.

(2:09 pm IST)