Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સરહદ પર ગોળીબાર બાદ ભારતનો જડબાતોડ જવાબ

ભારતની કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને નુકસાન : નાગરિક વિસ્તારો ઉપર પાકિસ્તાનનો સતત બીજા દિવસે ગોળીબાર બાદ ભારતની જવાબી કાર્યવાહી : સ્થિતિ તંગ

જમ્મુ,તા. ૨૭ : ભારતીય હવાઇ દળના સરહદ પાર જોરદાર ઓપરેશનના કારણે હચમચી ઉઠેલા પાકિસ્તાને અંકુશ રેખા પર આજે સતત બીજા દિવસે ગોળીબાર જારી રાખ્યો હતો. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય જવાનોએ જોરદાર જવાબ આપ્યો હતો. જેમાં પાકિસ્તાનની અનેક ચોકીઓ ફૂંકી મારવામાં આવી છે. પાકિસ્તાની સેનાને પણ ભારે નુકસાન થયું છે. પાકિસ્તાની સેનાએ કાર્યવાહી કર્યા બાદ ભારતે જોરદાર જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ સરહદ પારથી કરવામાં આવેલા ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટી કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું હતું કે, ભારતના જડબાતોડ જવાબના કારણે પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે.  પાકિસ્તાની જવાનોના મોત પણ થયા છે. અંકુશ રેખા ઉપર પાકિસ્તાને ૧૫થી ૨૦ સ્થળો ઉપર ગોળીબાર કર્યો હતો. માનવ શિલ્ડ તરીકે ગામવાળાઓનો ઉપયોગ કરીને નાગરિક આવાસો ઉપરથી આ ગોળીબાર કરાયો હતો. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના સૈનિકો પણ ઘાયલ થયા છે. પાકિસ્તાની સેનાએ માનવ કવચ રૂપે અંકુશ રેખા પર રહેતા લોકોના આવાસ પર મોર્ટાર અને મિસાઇલો ઝીંકી હતી. રાજોરી અને પુચ ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. આજે બીજા દિવસે પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો.

ભારતે જવાબી કાર્યવાહીમાંસામાન્ય લોકોને નુકસાન ન થાય તે બાબતને ધ્યાનમાં લઇને પાકિસ્તાની ચોકીઓને ટાર્ગેટ બનાવી હતી. ભારતીય સેનાના પાંચ જવાનોને પણ નજીવી ઇજા થઇ છે. ભારતે પોકમાં હવાઇ હુમલા કરવામાં આવ્યા બાદ  જમ્મુ કાશ્મીરમાં અંકુશરેખા નજીકના નવશેરા, રાજૌરી અને અખનુર સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સેનાએ મેંધાર અને પૂંચ જિલ્લાના કૃષ્ણાઘાટી સેક્ટરમાં પણ ગોળીબાર કર્યો હતો. આજે બીજા દિવસે પાકિસ્તાની સેના દ્વારા ઉશ્કેરણીજનક કૃત્યો જારી રાખવામાં આવ્યા હતા.

 

(12:00 am IST)