Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પાકે લશ્કરી સ્થળોને ટાર્ગેટ કરવા પ્રયાસ કર્યા છે : ભારતની કબૂલાત

પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ કરી એક વિમાન ફૂંકી મરાયું : પાકિસ્તાનની સાથે સંઘર્ષ દરમિયાન એક મિગ-૨૧ પાયલોટ લાપત્તા હોવાની પણ વિદેશ મંત્રાલય દ્વારા કબૂલાત કરાઈ : પાકિસ્તાનના પણ દાવાને ફગાવ્યા

નવી દિલ્હી, તા. ૨૭ : ભારતે આજે કહ્યું હતું કે, પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહી દરમિયાન હવાઈ દળનો એક પાયલોટ લાપત્તા છે. આ પહેલા પાકિસ્તાને દાવો કર્યો હતો કે, તેના દ્વારા ભારતના બે યુદ્ધ વિમાનો તોડી પાડવામાં આવ્યા છે અને વિંગ કમાન્ડર અભિનંદન સહિત બે ભારતીય પાયલોટ તેના સકંજામાં છે. આજે સવારે જમ્મુ અને કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાનના યુદ્ધવિમાનોએ ભારતીય હવાઈ સીમામાં ઘુસીને સરહદનો ભંગ કર્યો હતો. ભારતીય હવાઈ દળના યુદ્ધવિમાનોએ આ ગાળા દરમિયાન કાર્યવાહી કરી હતી જેથી પાકિસ્તાનના વિમાનોને પરત ફરવાની ફરજ પડી હતી. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસીફ ગફુરે કહ્યું હતું કે, ભારતીય સેનાના બે પાયલોટોને પકડી લેવામાં આવ્યા છે. એક પાયલોટ ઘાયલ છે જ્યારે બીજાને કોઇ નુકસાન થયું નથી. પાકિસ્તાની સેના દ્વારા અગાઉ એક વિડિયો જારી કરવામાં આવ્યો હતો જેમાં એક શખ્સની આંખ પર પાટા બાંધવામાં આવ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તે ભારતીય હવાઈ દળના વિંગ કમાન્ડર અભિનંદન છે. વિડિયોમાં જોવામાં આવે છે કે, એક શખ્સ ભારતીય હવાઈ દળના અધિકારી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, આ વિડિયોની પ્રમાણિકતા સાબિત થઇ શકી નથી. પાકિસ્તાની સેના દ્વારા બે ભારતીય યુદ્ધવિમાનોને તોડી પાડવા અને બે પાયલોટોને પકડી પાડવાના પાકિસ્તાનના દાવા બાદ ભારતે પ્રતિક્રિયા આપી હતી.વિદેશમંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું હતું કે, પાકિસ્તાનના યુદ્ધ વિમાન પર કાર્યવાહી કરતી વેળા તેમના એક વિમાનને તોડી પાડવામાં આવ્યું છે. અમારા એક મિગ પણ દુર્ઘટનાગ્રસ્ત થયા અંગેની માહિતી આપવામાં આવી છે. રવિશ કુમારે કહ્યું હતું કે, અમે વિશ્વસનીય પુરાવાના આધારે ત્રાસવાદી અડ્ડાઓ ઉપર હુમલા કર્યા હતા. જૈશ ભારતમાં ત્રાસવાદીહુમલા કરવાની યોજનામાં હતા. ત્યારબાદ હવાઈ દળનો ઉપયોગ કરીને હુમલા કરાયા હતા. બીજી બાજુ રવિશે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાને અમારા લશ્કરી સ્થળોને ટાર્ગેટ બનાવવાના પ્રયાસ કર્યા છે. પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ કરી દેવામાં આવ્યા છે. આ ગાળા દરમિયાન અમારા એક વિમાન મિગના પાયલોટ લાપત્તા છે. તમામ પુરાવામાં તપાસ થઇ રહી છે. ભારતીય હવાઈ સેનાએ જોરદાર કાર્યવાહી જારી રાખી છે. આજે ભારતીય જવાનોની સફળતાની નોંધ લેવામાં આવી હતી.  પાકિસ્તાને અગાઉ આજે સવારે વારંવાર નિવેદનો બદલ્યા હતા. પાકિસ્તાન તરફથી વારંવાર નિવેદન બદલી નાંખવામાં આવ્યા બાદ તેની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નો થયા હતા. પાકિસ્તાની સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં તેના વિમાનોએ હુમલા કર્યા છે. જો કે, મોડેથી આ અહેવાલોને પણ સફળતા મળી ન હતી.

(12:00 am IST)