Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

પત્નીએ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા અને ટોઇલેટમાં દાટી દીધી લાશ : પણ એક ભૂલે ભાંડો ફોડી નાખ્યો

ઉત્તરાખંડના ઋષિકેશની ઘટના : પત્નીના વર્તન અને તેના પ્રેમીએ કરેલી એક ભૂલ પરથી પોલીસે ઉકેલી નાખ્યો હત્યાનો કેસ

ઋષિકેશ તા. ૨૭ : ઉત્તરાખંડના જાણીતા તીર્થસ્થાન ઋષિકેશમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશને ટોઈલેટમાં ૫ ફૂટ ઊંડો ખાડો કરી દાટી દીધી. જોકે, બંનેએ એક ભૂલ કરી અને પોલીસે બંનેની ધરપકડ કરી આ હત્યાના કેસને ઉકેલી દીધો.

પોલીસે જણાવ્યા મુજબ, ટેકસી ડ્રાઈવર નરેન્દ્ર રાઠી (૪૦ વર્ષ) એક જુલાઈથી ગુમ હતો. ૧૦ જુલાઈએ રાઠીની માતાએ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન રાઠીની પત્ની પૂજાની બેદરકારી અને કેટલાક અન્ય પુરાવાના આધારે પોલીસે તેને પૂછપરછ માટે બોલાવી તો પત્ની ગોળગોળ જવાબ આપવા લાગી. પોલીસે જયારે કડકાઈથી પૂછપરછ કરી તો પૂજાએ પોતાનો ગુનો કબુલી લીધો.

આરોપી પૂજાએ જણાવ્યું કે, નરેન્દ્ર રોજ રાત્રે દારુ પીને આવતો હતો અને તેની સાથે મારપીટ કરતો હતો. એ દરમિયાન ઘરે પ્લમ્બરનું કામ કરવા આવેલા અમન કુમાર સાથે તેને પ્રેમ થઈ ગયો. બંનેએ નરેન્દ્રને વચ્ચેથી હટાવવાનો નિર્ણય કર્યો અને ૧ જુલાઈની રાત્રે અમન ઘરે જઈને છૂપાઈ ગયો. નરેન્દ્ર દારૂ પીને આવ્યો અને તો પત્નીએ આમલેટમાં નશાયુકત પદાર્થ ભેળવીને આપ્યો, જેથી તે વધુ નશામાં આવી ગયો અને તેને ઊંઘ આવી ગઈ. નરેન્દ્ર ઊંઘી ગયો તે સાથે જ અમને તેનું ગળું દબાવી તેની હત્યા કરી દીધી. પછી અમને ટોઈલેટમાં ૫ ફૂટનો ખાડો કરી નરેન્દ્રની લાશને દાટી દીધી અને તેના પર સીટ મૂકી ટાઈલ્સ પણ ફીટ કરી દીધી.

પોલીસે જણાવ્યું કે, ૨૦ જુલાઈએ પૂજા ઉચ્ચ પોલીસ અધિકારી પાસે ગઈ હતી અને ત્યાં પોલીસની કાર્યવાહીની ફરિયાદ કરતા કહ્યું કે, તેના પતિનો ફોન આવ્યો હતો અને તેને ગાળો બોલી તેમજ બાળકોને મારી નાખવાની ધમકી આપી છે. પૂજાએ ફરિયાદ કરી કે, પોલીસ તેની ફરિયાદ પર કાર્યવાહી નથી કરી રહી. જે નંબરથી પૂજાને ફોન આવ્યો હતો તે નંબર તેના પતિ નરેન્દ્રનો જ હતો. પરંતુ, તપાસ દરમિયાન પોલીસના ધ્યાનમાં એક એવી વાત આવી ગઈ જેણે આ સમગ્ર ખેલનો પર્દાફાશ કરી દીધો. પૂજાએ તેનો પતિનું સિમકાર્ડ પોતાના પ્રેમી અમનને આપ્યું હતું અને અન્ય શહેરમાં મોકલી પોતાના નંબર પર ફોન કરાવ્યો હતો. જયારે પોલીસે નંબર અને ઈએમઆઈ ટ્રેસ કર્યા તો જાણવા મળ્યું કે, જે મોબાઈલથી ફોન આવ્યો હતો, એ મોબાઈલ ફોનમાં અમનનું સિમ પણ એકિટવ હતું. પૂજાની કોલ ડીટેઈલ પરથી પોલીસને જાણવા મળ્યું કે, પૂજા અને અમનની રોજ ઘણી વખત વાત થાય છે અને પહેલા પણ થતી રહેતી હતી. પોલીસે જયારે પૂજાને આ બાબતે પૂછ્યું તો તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને તેણે પોતાનો ગુનો કબુલી લીધો.

(12:57 pm IST)