Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

બિહાર - કર્ણાટક - આંધ્ર - પ.બંગાળ હોટસ્પોટ બનવા ભણી

ચારેય રાજ્યોમાં આગામી દિવસોમાં દર્દીઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો થઇ શકે છેઃ અગાઉ દિલ્હી - મહારાષ્ટ્ર - તામિલનાડુ હોટ સ્પોટ હતા પણ હવે ત્યાં નવા કેસની સંખ્યા ઘટવા લાગી છે

નવી દિલ્હી તા. ૨૭ : ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૪ લાખને પાર કરી ગઇ છે. છેલ્લા ૪ દિવસથી રોજ ૪૫૦૦૦થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.

આમ તો સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળે છે પણ ચાર રાજ્યોએ દેશની ચિંતા વધારી દીધી છે. આ ચાર રાજ્યો છે બિહાર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને પ.બંગાળ આંકડાઓના ટ્રેન્ડ અને નિષ્ણાંતોનું માનીએ તો આ ચાર રાજ્યો આવતા દિવસોમાં કોરોનાના હોટસ્પોટ બની શકે છે

એટલે કે આપણે ત્યાં દર્દીઓની સંખ્યામાં વિક્રમજનક વધારો જોવા મળી શકે છે.

વિશ્વના કોઇપણ વિસ્તારમાં હોટસ્પોટ બનવાની પાછળ મુખ્યત્વે ૩ કારણ હોય છે. વધતા પોઝિટિવ કેસ, રોજ આવતા નવા કેસનો ગ્રોથ રેટ અને દર ૧૦ લાખની વસ્તી પર ઓછા ટેસ્ટ છેલ્લા ૪ મહિના દરમિયાન આ ચીજો દિલ્હી, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં જોવા મળી હતી અને આ બધા રાજ્યો દેશના હોટ સ્પોટમાં હતા હવે ત્યાં કોરોનાના નવા કેસ ઘટયા છે પણ હવે બીજા રાજ્યો હોટસ્પોટ બનવાના આરે છે.

ભારતમાં દર ૧૯.૩ દિવસમાં કેસ બમણા થઇ રહ્યા છે. ચાર્ટમાં સૌથી ઉપર કર્ણાટક છે ત્યાં દર ૫.૫ દિવસે કોરોના દર્દીઓની સંખ્યા બમણી થઇ રહી છે તે પછી આંધ્રપ્રદેશનો વધારો જ્યાં ૧ મહિના પહેલા ડબલીંગ રેટ ૧૩.૨ દિવસ હતો પણ હવે ત્યાં ૬.૨ દિવસ થઇ ગયા છે. પ.બંગાળમાં આ આંકડો ૮.૫ છે. જ્યારે બિહારમાં હાલ ૧૪.૯ દિવસે દર્દીઓની સંખ્યા બમણી થઇ રહી છે. ૧ મહિના પહેલા બિહારમાં ડબલીંગ રેટ ૨૮ દિવસ હતો.

દેશભરમાં ટેસ્ટની સંખ્યા વધારાઇ છે. એવામાં જોવાનું એ છે કે ૧૦ લાખની વસ્તીએ કેટલા કેસ થાય છે.

આંધ્રમાં ૩૦,૫૫૬, કર્ણાટક ૧૭,૩૭૫, બિહાર ૩૬૯૯, ઝારખંડ ૬૭૭૫, યુપી ૭૮૩૪, બંગાળ ૮૧૪૩, મ.પ્રદેશ ૮૩૨૩.

દેશમાં હાલ પોઝિટિવીટી રેટ ૮.૫ ટકા છે. મહારાષ્ટ્ર તેમાં સૌથી આગળ છે ત્યાં આ રેટ ૨૧ ટકા છે તે પછી કર્ણાટક ૧૬.૨ ટકા, પ.બંગાળ ૧૬.૧% બિહાર ૧૩.૮ ટકા, આંધ્ર ૧૩ ટકા છે. પોઝિટિવીટી રેટમાં સતત વધારો થાય જે ચિંતાની બાબત છે.

(11:04 am IST)