Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રાહુલ બ્રિગેડથી કોંગ્રેસને લાગી રહ્યો છે ડર

સચિન પાયલટ બાદ હવે કોણ બળવો કરશે?

એક સમયે રાહુલ ગાંધીના સૌથી નજીકના યુવાન નેતા જયોતિરાદિત્ય સિંધિયા બાદ હવે સચિન પાયલટે બળવો કર્યો છે

નવી દિલ્હી, તા.૨૭: મધ્ય પ્રદેશમાં જયોતિરાદિત્ય સિંધિયા અને રાજસ્થાનમાં સચિન પાયલટ દ્વારા બળવો કર્યા બાદ કોંગ્રેસની અંદર રાહુલ ગાંધીની યુથ બ્રિગેડને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. રાહુલ ગાંધી જયારે પાર્ટીના અધ્યક્ષ હતા ત્યારે આ નેતા તેના ઘણા નજીકના હતા અને તેમના પર રાહુલ ગાંધીનો વિશ્વાસ પણ ઘણો હતો.

પાર્ટીના તમામ નેતાઓના મનમાં હવે આ સવાલ ચાલી રહ્યો છે કે હવે પછી કોણ? જયારે તેમના મગજમાં આ સવાલ આવે છે તો તેમના મનમાં સૌથી પહેલા તો રાહુલ ગાંધીના નજીકના લોકોનું નામ જ આવે છે. જયોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટ રાહુલની યંગબ્રિગેડના બે મહત્વના નેતા હતા અને તેમના બળવાથી કોંગ્રેસમાં ચિંતા થવી સ્વાભાવિક છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીના એક નેતાનું કહેવું છે કે જે નેતાઓને ઓછા સમયમાં વધારે જવાબદારી સોંપવામાં આવી છે અને તેમની ક્ષમતાઓ અને પ્રભાવથી પાર્ટી માહિતગાર પણ છે. તેવામાં જો તે નેતા હાલમાં સંતુષ્ટ નથી તો તેનો મતલબ સ્પષ્ટ છે કે કંઈક ગડબડ ચોક્કસથી છે. નોંધનીય છે કે કોંગ્રેસની અંદર સૌથી મોટા નિર્ણયો સીડબલ્યુસી દ્વારા લેવામાં આવે છે.

સૂત્રોનું કહેવું છે કે પાયલટ અને સિંધિયાની ઓળખ કોંગ્રેસમાં રાહુલ બ્રિગેડના નેતાઓના રૂપમાં થતી હતી. હાલમાં બંને જણાએ બળવો કર્યો છે. વાત જયારે રાહુલ બ્રિગેડની આવે છે તો તેમાં હરિયાણાથી અશોક તંવર, મધ્ય પ્રદેશ યુનિટના ભૂતપૂર્વ વડા અરૂણ યાદવ, મુંબઈના ભૂતપૂર્વ વડા મિલિંદ દેવડા અને સંજય નિરૂપમ, પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રતાપ સિંહ બાજવા, ઝારખંડ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અજય કુમાર અને કર્ણાટકના ભૂતપૂર્વ વડા દિનેશ ગુંડૂનું નામ સામે આવે છે.

(10:12 am IST)