Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

મહારાષ્ટ્રમાં તાકાત હોય તો મારી સરકાર પાડીને બતાવે

આ પડકાર નથી પણ તેમનો સ્વભાવ છે : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે : કેટલાક લોકોને પાડવામાં-તોડવામાં ખુશી મળે છે :મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે

નવી દિલ્હી, તા. ૨૬ : મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકાર પાડવા અને રાજસ્થાનમા સચિન પાયલોટના રાજીનામાથી અસ્થિર રાજકીય હાલતની વચ્ચે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ પડકાર આપ્યો છે કે, જે કોઈને પણ મહારાષ્ટ્રની સરકાર પાડવી છે તે પાડીને બતાવે. તેમણે જણાવ્યું કે, કેટલાક લોકો કહી રહ્યા છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સરકાર પાડી દઈશું. હું કહું છું કે અત્યારે જ પાડી દો. હું ફેવિકોલ લગાવીને બેઠો છું. ઠાકરેએ રાજ્યમાં મુખ્ય વિપક્ષી દળ ભાજપ પર નિશાનો તાકતા જણાવ્યું કે, તમને (ભાજપને) પાડવામાં અને તોડવામાં ખુશી મળે છે. કેટલાક લોકોને બનાવવામાં ખુશી મળે છે. મને કંઈ પડી નથી.

          પાડી દો સરકાર. ઠાકરેને સવાલ કરવામાં આવ્યો કે શું તેઓ પડકાર આપી રહ્યા છે તો તેમણે જણાવ્યું કે આ પડકાર નથી પરંતુ તેમનો સ્વભાવ છે. ઠાકરેએ જણાવ્યું કે, આ સરકારનું ભવિષ્ય વિપક્ષના નેતા પર નિર્ભર નથી તેથી હું જણાવી રહ્યો છો કે જો તમારે પાડવી છે તો પાડી દો. ઉદ્ધવે ત્રણેય દળની તુલના રિક્ષાના ત્રણ પૈડા સાથે કરતા જણાવ્યું કે, રિક્ષા ગરીબોની સવારી છે. બુલેટ ટ્રેન અને રિક્ષાની વચ્ચે એકની પસંદગી કરવી પડશે તો હું રિક્ષાને પસંદ કરીશ. તેમણે વધુમાં જણાવ્યું કે, હું ગરીબોની સાથે ઉભો રહીશ. મારી આ ભૂમિકા હું બદલવા માગતો નથી. કોઈ એવું વિચારે નહીં કે હવે હું મુખ્યમંત્રી બની ગયો છું તો હું બુલેટ ટ્રેનની પાછળ ઉભો રહીશ.

(12:00 am IST)