Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રાજસ્થાનમાં જાનૈયાઓથી ભરેલી બસ મેજ નદીમાં ખાબકી : 18 લોકોનાં મોત : રેસ્કયૂ ઓપરેશન ચાલુ

ભાણીના લગ્નમાં મામેરું લઈને જઈ રહ્યો હતો પરિવાર: પાપડી ગામની પાસે કોટા-લાલસોટા મેગા હાઈવે પર બસ અનિયંત્રિત થઈને નદીમાં ખાબકી

બૂંદી : રાજસ્થાનના બૂંદી જિલ્લામાં સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં પાપડી ગામની પાસે મુસાફરોથી ભરેલી એક બસ મેજ નદીમાં ખાબકી ગઈ છે

લાખેરી પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધી 18 લોકોનાં મોત થવાની પુષ્ટિ થઈ છે અને લગભગ એક ડઝનથી વધુ લોકોને નદીમાંથી રેસ્કયૂ કરવામાં આવ્યા છે.

મળતી જાણકારી મુજબ કોટાના દાદીબાડીથી એક પરિવારના લોકો લગ્ન સમારોહમાં સામેલ થવા સવાઈ માધોપુર જઈ રહ્યા હતા અને રસ્તામાં આ દુર્ઘટના સર્જાઈ હતીઅહીં પાપડી ગામની પાસે કોટા-લાલસોટા મેગા હાઈવે પર બસ અનિયંત્રિત થઈને નદીમાં ખાબકી હતી.

બૂંદીના જિલ્લા કલેક્ટર અંતરસિંહ નેહરાએ જણાવ્યું કે લગ્ન સમારોહમાં સામેલ થવા લોકો બસમાં સવાર થઈને સવાઈ માધોપુર જઈ રહ્યા હતા. બસ નદીમાં ખાબક્યા બાદ એનડીઆરએફની ટીમ બચાવ તથા રાહત કાર્યમાં લાગી ગઈ છે. અત્યાર સુધી 12-13 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને બસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

મળતી જાણકારી મુજબ, બસમાં કોટાના મુરારીલાલ ધોબી પોતાના પરિવારની સાથે સવાઈ માધોપુર જઈ રહ્યા હતા. ત્યાં તેમની ભાણીના લગ્ન હતા અને તેઓ મામેરું લઈને પરિજનો અને નજીકના સંબંધીઓની સાથે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં આ દુર્ઘટના સર્જાઈ.

(12:27 pm IST)