Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રાજ્યસભા ચૂંટણી જંગ

ભાજપની તાકાત યથાવત જ રહેશે

અન્નાડીએમકે, જેડીયુ, ટીડીપીની બેઠકો ઘટશે

નવી દિલ્હી, તા. ૨૬ :. આગામી મહિને ૧૭ રાજ્યોની રાજ્યસભાની ૫૫ બેઠકો પર થનાર દ્વિવાર્ષિક ચૂંટણીમાં ભાજપા પોતાની તાકાત જાળવી રાખશે જ્યારે કોંગ્રેસને ત્રણથી ચાર બેઠકોનું નુકશાન થઈ શકે છે. સ્થાનિક પક્ષોમાં તૃણમૂલ કોંગ્રેસ, બીજદ અને શિવસેનાને કોઈ નુકસાન નહીં થાય પણ અન્નાદ્રમુક, જદયુ અને ટીડીપીને નુકસાન થઈ શકે છે.

ભાજપાના ૧૪ સાંસદનો કાર્યકાળ એપ્રિલમાં પુરો થવાનો છે. પક્ષ એટલા જ સાંસદોને પાછા લાવવાની સ્થિતિમાં છે. તેને મહારાષ્ટ્ર, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશમાં લાભ જ્યારે તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં નુકસાન થવાના અણસાર છે. ભાજપા એક રાજ્યમાં થયેલા નુકસાનની ભરપાઈ બીજા રાજ્યમાંથી કરશે. બેથી ત્રણ બેઠકો એવી છે, જેના પર વિભીન્ન પક્ષોના ગઠબંધન અને ઉમેદવારોની સંખ્યાથી હારજીત નક્કી થશે તેના પર ભાજપાની નજર મંડાયેલી છે.

જે ૫૫ બેઠકો માટે ચૂંટણી થવાની છે, તેમા ભાજપાની ૧૪, કોંગ્રેસની ૧૩, ટીએમસીની ૪, અન્ના દ્રમુકની ૪, જેડીયુની ત્રણ, બીજદની ૩, અપક્ષ ૩, એનસીપીની ૨ અને શિવસેના, દ્રમુક, ટીડીપી, ટીઆરએસ, રાજદ, સીપીએમ, બીપીએફ, આરપીઆઈ, ઈલેનોની એક એક બેઠક છે. આમા ચાર બેઠકો એવી પણ સામેલ છે. જેના સાંસદે ભાજપામાં જોડાઈને રાજીનામા આપ્યા હતા.

કોંગ્રેસને આ ચૂંટણીમાં નુકસાન જ થશે. તે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં વધારે બેઠકો જીતશે પણ અડધો ડઝન રાજ્યોમાં બેઠકો ગુમાવતી દેખાય છે, એટલે ઉચ્ચ સદનમાં તેની સંખ્યામાં ઘટાડો થશે.

આ બધાની વચ્ચે સ્થાનિક પક્ષો કયાંક ફાયદામાં તો કયાંક નુકસાનમાં રહેશે. તેમાં વાયએસઆરપીસીને મોટો ફાયદો થશે. ભાજપાના ટેકાથી જીતનાર રિપબ્લીકન પાર્ટીના નેતા રામદાસ આઠવલે ફરી એકવાર ભાજપાના ભરોસે રહેશે. આસામ બીપીએફને પણ ભાજપાના ટેકાની જરૂર પડશે.

(11:29 am IST)