Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

ચીનને જંગે ચડવું છે ? સરહદે ખડકયા સૈનિકો - શસ્ત્રો

LAC પરના ૩ રાજ્યો અરૂણાચલ, સિક્કીમ, ઉત્તરાખંડમાં ચીને સૈનિકો - શસ્ત્રો વધાર્યા : ભારતીય દળો એલર્ટ : લેહ આસપાસ ઉડી રહ્યા છે ભારતીય વિમાનો

નવી દિલ્હી તા. ૨૫ : લદ્દાખની ગલવાન ઘાટીમાં લોહિયાળ સંઘર્ષ બાદ ભારત-ચીનમાં તનાતની છે. વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC પર તણાવ ઓછો કરવા માટે નવી દિલ્હી અને બેઇજિંગની તરફથી સૈન્ય અને ડિપ્લોમેટસ પ્રયાસ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ચીન એલએસીના વિસ્તારોમાં પોતાની સૈન્ય હાજરી પણ વધારી રહ્યું છે. LACને અડીને આવેલા ત્રણ રાજયો અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઉત્તરાખંડમાં સતત ચીનની પીએલએલના સૈનિકોની અવરજવર વધી રહી છે.

એક રિપોર્ટના મતે પેંગોંગ ત્સો જીલ, ગલવાન વેલીની સીથે જ પૂર્વ લદ્દાખના કેટલાંક વિસ્તારોમાં ચીની સેનાના જવાન વધી રહ્યા છે. પેંગોંગ ત્સો અને ગલવાન સિવાય ડેમચોક અને દોલત બેગ ઓલ્ડીમાં પણ ભારત-ચીનના જવાન સામ-સામે છે. બુધવારના રોજ ભારત અને ચીને તણાવ ઘટાડવા માટે ડિપ્લોમેટ સ્તરની વાતચીત કરી. પૂર્વ લદ્દાખના ગલવાનમાં ૧૫ જૂનના રોજ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (LAC)એ પૂર્વનિયોજીત રીતે ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો હતો. તેમાં સેનાના ૨૦ જાબાંજ જવાન શહીદ થયા હતા.

પીટીઆઈના મતે પેંગોંગ ત્સો, ગલવાન વેલી અને પૂર્વ લદ્દાખના ટકરાવવાળા વિસ્તારોમાં ચીને પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. ભારતના આકરા વિરોધ છતાંય પોઇન્ટ-૧૪ના વિસ્તારમાં ચીને ફરી ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કર્યું છે. રિપોર્ટમાં સૌથી ચિંતાની વાત એ છે કે અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમમાં એલએસી પર પીએલએ એ પોતાના જવાનો સિવાય દારૂગોળા અને હથિયારમાં વધારો કર્યો છે.

બંને દેશોની વચ્ચે તણાવ ઓછો કરવા માટે ભારતીય વિદેશ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી (ઇસ્ટ એશિયા) નવીન શ્રીવાસ્તવ અને ચીનના વિદેશ મંત્રાલયમાં ડીજી વૂ જિયાંગહાઓની વચ્ચે બુધવારના રોજ વાતચીત થઇ. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે વાતચીતમાં એ વાત પર જોર આપ્યું કે બંને પક્ષ કડકાઇથી LACનું પાલન અને સમ્માન કરે.

એકબાજુ રિપોર્ટ મળી રહ્યો છે કે ચીન ટકરાવવાળા વિસ્તારોમાં સેનાની તૈનાતી વધારી રહ્યું છે, તો બીજીબાજુ ચીનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે બંને દેશોની વચ્ચે નેકનીયતી અને ઊંડાણપૂર્વક વાર્તા થઇ છે. LAC પર કડવાશને દૂર કરવા માટે બંને દેશોની સેનાઓના કમાન્ડરોએ પણ વાતચીત કરી હતી. ૨૨મી જૂનના રોજ ૧૪ કોર્પ્સના કમાન્ડર લેફિટનેંટ જનરલ હરિંદર સિંહ અને તિબ્બત મિલિટરી ડિસ્ટ્રિકટરના કમાન્ડર મેજર જનરલ લિયૂ લિનની વચ્ચે ૧૧ કલાક સુધી મેરેથન મીટિંગ ચાલી હતી.

સૂત્રોના મતે મિલિટરી લેવલ વાતચીતમાં બંને પક્ષોની વચ્ચે પાછળ હટવા પર સહમતિ બની હતી. તેમાં પૂર્વ લદ્દાખના ટકરાવવાળા ક્ષેત્રોમાં પણ બંને દેશોની સેનાઓને હટાવા પર સામાન્ય વાત બની હતી. જો કે ચીનથી સાવધાન ભારતીય સેના કોઇપણ કસર છોડી રહી નથી. આર્મી એ હોટ સ્પ્રિંગ્સ, ડેમચોક, કોયૂલ, ફુકચે, દેપસાંગ, મુર્ગો અને ગલવાનમાં જવાનોની તૈનાતી વધારી દીધી છે.

આ બધાની વચ્ચે ભારતીય વાયુસેના હાઇએલર્ટ પર છે. સરહદની પાસે ફ્રન્ટલાઇન સુખોઇ એમકેઆઇ ૩૦ ફાઇટર જેટ, મિરાજ-૨૦૦૦, જગુઆર ફાઇટર એરક્રાફટ, અપાચે હેલિકોપ્ટર, અને સીએચ-૪૭ ચિનુક હેલિકોપ્ટર તૈનાત છે અને સમયાંતરે ઉડાન ભરી રહ્યું છે. ખાસકરીને લેહ વિસ્તારમાં આઇએએફના લડાકુ વિમાન નિયમિતપણે ઉડાન ભરી રહ્યા છે.

(4:25 pm IST)