Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

ભેજ ઘટતા બે-ત્રણ દિવસ વરસાદની સંભાવના નહિવતઃ સિવાય કે છુટાછવાયા સ્થળોએ વરસી જાય

રાજસ્થાનના દક્ષિણ-પૂર્વના ભાગોમાં સંભવઃ મહારાષ્ટ્ર-મરાઠાવાડામાં હળવાથી મધ્યમ પડશે : ઉત્તર ભારતના પહાડી અને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ પડશેઃ દક્ષિણ અને પૂર્વોતર ભારતમાં એક સપ્તાહ સારૂ વાતાવરણ

નવી દિલ્હીઃ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના નહિવત છે. જયારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી બે -ત્રણ દિવસ શકયતા નથી સિવાય કે છુટાછવાયા એકાદ બે સ્થળોએ વરસી જાય. જયારે ઉત્તર ભારતના પહાડી અને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ દક્ષિણ અને પૂર્વોતર ભારતમાં આગામી એક સપ્તાહ સારો વરસાદ પડશે. તેમ વેધરની સંસ્થા સ્કાયમેટે  જણાવ્યુ છે.

નેઋત્યના ચોમાસાએ  છેલ્લા બે દિવસમાં સારી પ્રગતિ કરી છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારો અને મેદાની વિસ્તારોમાં પસાર થઇ ગયું છે. પંજાબ, હરીયાણા અને દિલ્હી અને એનસીઆરના બાકીના ભાગોમાં પણ ચોમાસાનું આગમન થઇ જશે. રાજસ્થાનના દક્ષિણના ભાગોમાં ચોમાસુ બેસી ગયું છે.

આગામી એક સપ્તાહમાં દક્ષિણ ભારત, પૂર્વ અને પૂર્વોતર ભારતમાં સૌથી વધુ વરસાદ પડે તેવી શકયતા છે.

જયારે છેલ્લા ૨૪ કલાકમાં પૂર્વ બિહાર, સિકકીમ, આસામ, અરૂણાચલ પ્રદેશ, અને નાગાલેન્ડમાં સારો વરસાદ પડયો અને આગામી ચારથી પાંચ દિવસ જોરદાર વરસાદ પડશે.

ઉત્તરપ્રદેશમાં ચોમાસુ બેસી ગયું છે. આગામી ૨૪ થી ૪૮ કલાકમાં બાકીના ભાગોમાં પણ ચોમાસુ દસ્તક દેશે પૂર્વ યુપીમાં હવાઓનું જોર રહેશે.

ઉત્તર ભારતના પહાડી અને મેદાની વિસ્તારોમાં આગામી ૨૪ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડશે. ત્યારબાદ આગામી બે-ત્રણ દિવસ વાતાવરણ સુકુ રહેશે.

રાજસ્થાનના દક્ષિણ-પૂર્વના ભાગોમાં વધુ વરસાદ સંભવ છે. જયારે પશ્ચિમમાં ચુરૂથી બાઢમેર સુધી વાતાવરણ સુકુ રહેશે. કયાંક-કયાંક હળવો વરસાદ પડશે.

જયારે ગુજરાતના દક્ષિણ પૂર્વના સુરત, વલસાડ, નવસારીમાં ભેજનું પ્રમાણ નથી અહિં બે-ત્રણ દિવસ વિશેષ વરસાદની શકયતા ઓછી છે. સૌરાષ્ટ્ર -કચ્છમાં પણ આગામી બે-ત્રણ દિવસ વરસાદની શકયતા નથી. જયારે ઉત્તર-પૂર્વ વિસ્તારમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલા શહેરીમાં કોઇક સ્થળોએ વરસાદની શકયતા છે.

મહારાષ્ટ્ર, મરાઠાવાડામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અહિં તા.૨૬ થી ૨૮ જુન આસપાસ વરસાદ પડે તેવા હાલના અનુમાન છે.

(12:47 pm IST)