Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

ચાઈનાની ચીજ વસ્તુનો બહિષ્કાર : એપ્સની લોકપ્રિયતા ઘટી: મોબાઈલ ફોન માર્કેટ સ્થિર

એપ્પની લોકપ્રિયતા ગુમાવતા પ્લેસ્ટોરમાં 3 સ્થાન ગગડી : યુસી બ્રાઉઝરનું રેટિંગ 39થી ઘટી 79 પર સરક્યું

નવી દિલ્હી : ભારતની ગલવાન ખીણમાં ચીને કરેલું દુઃસાહસ ભારે પડ્યું છે. દેશમાં ચીન વિરોધી જબરદસ્ત માહોલ સર્જાઈ રહયો છે જેની સીઘી અસર ભારતમાં રહીને બિઝનેસ કરતી ચીનની કંપનીઓને થયો છે. ભારતમાં ખુબ જ ટૂંકા સમયમાં લોકપ્રિય બનેલી ચાઈનીઝ એપ્સ ટિક્ટોક, હેલો, શેરચેટ તેમજ સર્ચ એન્જીન યુસી બ્રાઉઝરના ગ્રાહકોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે.

ગુગલ પ્લે સ્ટોરમાં આ ચાઈનીઝ એપ્સની લોકપ્રિયતા સતત ઘટી રહી છે તેમ મોબાઈલ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ કંપની સેન્સર ટાવરે જણાવ્યું છે. દેશમાં સૌથી લોકપ્રિય શોર્ટ વિડિઓ એપ ટિક્ટોકના 20 કરોડ યુઝર્સ છે. જોકે એપ્સ લોકપ્રિયતા ગુમાવીને પ્લેસ્ટોરમાં 3 સ્થાન નીચે ગગડી ગઈ છે. આવી જ હાલત અન્ય ચાઈનીઝ એપ્સની થઇ છે. બીજી તરફ સ્વદેશી એપ્સ હોવાનો પ્રચાર કરીને હાઈલાઈટ થનાર મિત્રો એપ્સના ડાઉનલોડિંગમાં વધારો જોવા મળ્યો છે.

આ ઉપરાંત અલીબાબાની માલિકીના યુસી બ્રાઉઝરના ભારતમાં 13 કરોડ યુઝર્સ છે. જોકે હવે તેનું રેન્કિંગ 39થી ગગડીને 79 પર પહોંચી ગયું છે. ફાઈલ શેર કરવાની સુવિધા આપતી શેરઈટ એપનું રેન્કિંગ 15થી ઘટીને 49 પર પહોંચી ગયું છે. આ રીતે હેલો એપ પણ ભારતમાં 5 કરોડ વપરાશકારો ધરાવે છે તેનું રેન્કિંગ 9થી ગગડીને 29 પર પહોંચી ગયું છે.

જોકે મોબાઈલ ફોન્સમાં ઉપર મુજબની હાલત નથી. મોબાઈલ માર્કેટનું ચાઈનીઝ બજાર હજુ સુધી જળવાયેલું છે. ભારતમાં શાઓમી, ઓપ્પો, વિવો અને રિયલ મી જેવી મોટી બ્રાન્ડ બજારનો 73 ટકા હિસ્સો ધરાવે છે. બીજી તરફ ગ્રાહકો પાસે સેમસંગ અને એપલ સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. એક રિપોર્ટ અનુસાર ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ આગામી સમયમાં ભારતમાં નવા મોબાઈલ ફોન લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

(12:22 pm IST)