Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

એક બે નહીં પણ ૪૦ ટ્રેનો રસ્તો ભુલી આડા પાટે ચઢી

૪૦ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો આડા પાટે ચઢી : રુટ વ્યસ્તતા સહિતના રેલવેના વિચિત્ર ખુલાસા : શ્રમિકો ભુક અને પીવાના પાણીથી પરેશાન થયા : રિપોર્ટમાં દાવો

નવી દિલ્હી, તા. ૨૫ : મુંબઇથી ગોરખપુર જતી શ્રમિક ટ્રેન ઓરિસ્સા પહોંચી ગયાનો કિસ્સો બહુ ગાજ્યો છે પરંતુ હવે એવું બહાર આવ્યું છે કે આવી એક કે બે નહીં પણ ૪૦ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો પોતાનો મૂળ ટ્રેક ભૂલી અવળે રસ્તે ફંટાઇ ગઇ હતી. રેલવે માટે અલગ અલગ તર્ક આપે  છે પરંતુ તેના કારણે હજારો શ્રમિકોએ વેઠેલી યાતના માટે તેની પાસે કોઇ જવાબ નથી. દેશમાં લોકડાઉનના કારણે અનેક લોકો પોતાના વતનથી અન્ય રાજ્યોમાં ફસાઈ ગયા હતા અને દરમિયાન રેલવેએ સંકટમોચન બનીને પ્રવાસી શ્રમિકોને પોતાના ઘર સુધી પહોંચાડવામાં મદદ માટે અભિયાન હાથ ધર્યું છે. લાખો પ્રવાસી શ્રમિકો રેલવેની મદદથી પોતાના ઘરે પહોંચી ચૂક્યા છે, પરંતુ દરમિયાન એક શ્રમિક ટ્રેન મહારાષ્ટ્રના વસઇથી યુપીના ગોરખપુર જવા નીકળી પરંતુ ઓરિસ્સાના રાઉરકેલા પહોંચી ગઈ હતી.

               રેલવેએ કહ્યું કે ભૂલથી થયું નથી, પરંતુ રુટ વ્યસ્ત હોવાના કારણે આવું કરવામાં આવ્યું નહતું. હવે એવા અહેવાલ સાંપડી રહ્યાં છે કે એક-બે નહીં પરંતુ ૪૦ ટ્રેનોના રસ્તો બદલી દેવામાં આવ્યા છે. બિહારના નેતા તેજસ્વી યાદવે પણ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મૂળ બિહારના પટણા આવનારી ટ્રેનને બંગાળના પુરૂલિયા મોકલી દેવામાં આવતાં શ્રમિકો ભોજન અને પાણીના પ્રબંધ વિના રખડી પડ્યા હતા. રેલવેના એક સૂત્રે કહ્યું કે ફક્ત ૨૩ મેના રોજ કેટલીયે ટ્રેનોના રસ્તા બદલી દેવામાં આવ્યા છે. જોકે, તેમણે જણાવ્યું નથી કે કેટલી ટ્રેનોનો રસ્તા બદલવામાં આવ્યા છે. દરમિયાન કેટલાક સૂત્રોએ એમ પણ કહ્યુ કે હમણાં સુધી ૪૦ શ્રમિક ટ્રેનોના રસ્તા બદલવામાં આવ્યા છે. રેલવેએ કહ્યુ કે ટ્રેનોના રસ્તા જાણી જોઈને બદલવામાં આવ્યા છે.

(8:01 pm IST)