Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ભારતને ઘેરવા નિકળેલ ચીન હોંગકોંગમા સલવાણું

સેંકડો દેખાવકારો આવી ગયા રોડ પર

હોંગકોંગ તા. ૨૫: નેપાળ, પાકિસ્તાન દ્વારા ભારતને સળી કરનાર ડ્રેગન હવે પોતાના ઘરમાં જ અટવાતુ જાય છે. ઘણીવાર હિંસક થઇ ચૂકેલા પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને ચીની સરકારે હોંગકોંગ માટે  રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન સંસદમાં રજૂ કર્યો છે. તેના વિરૂધ્ધ રોડ  પર લાખો લોકો ઉગ્ર દેખાવો  કરી રહ્યા છે, ત્યારે ચીન સમર્પિત પોલિસ લોકશાહીની માંગણી કરી રહેલા દેખાવકારો પર કડકાઇ સાથે દમન કરી રહી છે. રવિવારે પણ રોડ પર ઉતરેલા સેંકડો લોકો પર પોલિસે આંસુગેસના સેલ છોડ્યા હતા. હોંગકોંગમાં લોકશાહીના સમર્થકોએ  ચીનના પ્રસ્તાવિત રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનનો જોરદાર વિરોધ કર્યો છે.

ચીનની રાષ્ટ્રીય સંસદમાં મુકાયેલ આ પ્રસ્તાવિત વિધેયકનો ઉદ્દેશ  અલગતાવાદી  વિધ્વંસક ગતિવિધીઓ રોકવાની  સાથે જ વિદેશી હસ્તક્ષેપ , આતંકવાદ રોકવાનો છે. ટીકાકારોએ  તેને 'એક દેશ, બે વ્યવસ્થા'ની રૂપરેખા વિરૂધ્ધનો ગણાવ્યો છે. ગઇકાલે બપોરે કાળા કપડા પહેરીને દેખાવકારોએ પ્રખ્યાત શોપીંગ ડીસ્ટ્રીકટ કમોઝવે બે માં ભેગા થઇને પ્રસ્તાવિત  કાયદા વિરૂધ્ધ દેખાવો શરૂ કર્યા, પ્રદર્શન દરમ્યાન પ્રતિષ્ઠિીત કાર્યકર્તા ટૈમ-ટેંકચીની ધરપકડ કરવામાં આવી હતી.

આ ખરડો પસાર થયા પછી હોંગકોંગમાં ચીની રાષ્ટ્રગીતનો અનાદર કરવો ગુનો ગણાશે. ઉલ્લેખનીય છે કે હોંગકોંગ ચીનનું એક ખાસ પ્રશાસનિક વિસ્તાર છે, જ્યાં આઝાદી માંગણી સાથે લાખો લોકોએ પહેલા પણ દેખાવો કર્યા હતા. જોકે, ચીની સૈન્યએ, હોંગકોંગની ચીન સમથિત સરકારે મહિના કરતા પણ વધારે સમય ચાલેલા આ આંદોલનને હિંસક રીતે કચડી નાખ્યુ હતું. આ દરમ્યાન થયેલા તોફાનોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા.

(1:36 pm IST)