Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

બાબા રામદેવને ઝટકો

કોરોના દર્દીઓ પર પતંજલીની દવાઓની કલીનીકલ ટ્રાયલને ન મળી મંજુરી

હરિદ્વાર તા. રપ : યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિને મોટો ઝટકો લાગ્યો છે. બાબાની કંપનીએ કોરોના પેશન્ટો પર આયુર્વેદિક દવાઓના કલીનીકલ ટ્રાયલની પરવાનગી માંગી હતી અને દાવો કરાઇ રહ્યો હતો. કે તેમને પરવાનગી મળી પણ ગઇ છે. સોશ્યલ મીડીયા પર બબાલ મચ્યા પછી ઇંદોર જીલ્લા પ્રશાસને શનિવારે બાબારામદેવના પતંજલિ ગ્રુપની કેટલીક આયુર્વેદિક દવાઓને કોરોના દર્દીઓ પર કલીનીકલ ટ્રાયલના પ્રસ્તાવને મંજુરી આપી હોવાની વાતને રદીયો આપ્યો હતો. સ્થાનિક મીડીયામાં છપાયેલ સમાચારોનો હવાલો આપીને સોશ્યલ મીડીયા પર ઘણા લોકોએ જીલ્લા પ્રશાસન પર નિશાન તાકયું હતું.આ સમાચારોમાં દાવો કરાયો હતો કે પ્રશાસને પતંજલિ ગ્રુપના પ્રસ્તાવને લીલીઝંડી આપી દીધી છે.

સોશ્યલ મીડીયા યુઝર્સનું કહેવું છે કે દર્દીઓ પર દવાના કલીનીકલ ટ્રાયલની મંજુરી સરકારની નિયંત્રક સંસ્થાઓ આપે છે. અને પ્રશાસનને કોઇપણ આવા પ્રસ્તાવને મંજુરી આપવાનો અધિકાર નથી. આ વિવાદ અંગે જીલ્લાધિકારી મનીષસિંહને પુછતા તેમણે કહ્યું કે પહેલી વાત તો એ છે કે એલોપથીની જેમ આયુર્વેદિક દવાઓના કલીનીકલ ટ્રાયલ કરવામાં જ નથી આવતા અમે પતંજલિ ગ્રુપ તરફથી મોકલાયેલ પ્રસ્તાવને આ પ્રકારના કોઇ ટ્રાયલની હજુ સુધી કોઇ ઔપચારિક મંજુરી નથી આપી. જો કે તેમણે કહ્યું કે આઇસોલેશનમાં રાખવામાં આવેલ કોરોના દર્દીઓને ઇમ્યુનીટી વધારવા માટે એલોપેથી દવાઓની સાથે સાથે અશ્વગંધા અને બીજી આયુર્વેદિક દવાઓ પણ અપાઇ રહી છે.

(12:47 pm IST)