Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

લગ્ન કરવા માટે ૮૦ કિલોમીટર ચાલીને યુવતી એકલી ફિયાન્સેના ઘરે પહોંચી

કાનપુર તા. રપઃ લગ્નની પરંપરા છે કે વર બેન્ડ બાજા બારાત સાથે વધુના ઘરે આવી લગ્ન કરીને કન્યાને પોતાની સાથે લઇ જાય. પરંતુ લોકડાઉનને કારણે તેમનાં લગ્ન પાછળ ઠેલાવાની આશંકાએ ૧૯ વર્ષન્ી ગોલ્ડી નામની યુવતી તમામ રીતરસમ ત્યજીને ચાલતી જ કાનપુરથી ૮૦ કિલોમીટર દૂર કન્નોજ તેના મંગેતરના ઘરે પહોંચી ગઇ.કાનપુર દેહાત જિલ્લામાં ડેરા મંગલપુર બ્લોકના લક્ષ્મણ તિલક ગામની ગોલ્ડીની થોડા સમય પહેલાં કન્નોજ જિલ્લાના બૈસાપુર ગામના વીરેન્દ્રકુમાર રાઠોડ ઉર્ફે વીરૂ સાથે સગાઇ થઇ હતી.

ચોથી મેએ બન્નેનાં લગ્ન નિર્ધાર્યા હતાં, પરંતુ લોકડાઉન લંબાતાં લગ્ન પાછળ ઠેલાયાં. સતત લંબાતા લોકડાઉનને કારણે ગોલ્ડીની ધીરજે જવાબ દઇ દેતાં એક દિવસ વહેલી સવારે ગોલ્ડી ચાલતી જ તેના મંગેતરના ગામ જવા નીકળી પડી અને વેળાસર પહોંચી પણ ગઇ.

ગોલ્ડીનાં સાસરિયાં તેને જોઇને અચંબિત થઇ ગયાં. સૌ પહેલાં તેમણે ગોલ્ડીના પિતાને આ વાતની જાણ કરી જેઓ ગોલ્ડીને શોધવા આકાશ-પાતાળ એક કરી રહ્યા હતા. તેમણે ગોલ્ડીને થોડી ધીરજ રાખી ઘરે પાછી ફરવા સમજાવી પોતે વરઘોડો લઇને આવશે એવી ખાતરી આપી, પણ છેવટે ગોલ્ડીની જીદ સામે તેમણે ઝૂકવું પડયું અને પંડિતને બોલાવી બન્નેને લગ્નગાંઠથી બાંધી દીધાં.

(11:40 am IST)